નવરાત્રી બાદ બે દિવસમાં સાત હજારથી વધુ બૅનર અને હૉર્ડિંગ્સ હટાવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તહેવારો દરમ્યાન મુંબઈમાં ઠેર ઠેર ગેરકાયદે રીતે રાજકીય પક્ષો તથા નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં બૅનર, હૉર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવી દેવામાં આવતા હોય છે. ગણેશોત્સવ બાદ હવે નવરાત્રી પૂરી થવાની સાથે જ સુધરાઈએ તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં ૭,૭૮૯ બૅનર, હૉર્ડિંગ્સ અને પોસ્ટરો હટાવ્યા હતા.
પાલિકાના લાઈસન્સ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ તહેવારો દરમ્યાન મોટા પ્રમાણમાં લોકો શુભેચ્છા આપતા હૉર્ડિંગ્સ અને બેનરો લગાવતા હોય છે, જેમાં મોટાભાગના લોકો પાલિકા પાસેથી કાયદાકીય રીતે મંજૂરી લીધા વગર લગાડી દેતા હોય છે.

તેથી નવરાત્રી પૂરી થવાની સાથે જ તેને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણ અને ચાર ઑક્ટોબર, ૨૦૨૫ના સાંજના છ વાગ્યા સુધીમાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૭,૭૮૯ બૅનર, હૉર્ડિંગ્સ અને પોસ્ટરો ઊતારી દીધા હતા. પાલિકા પાસેથી લીધેલી મંજૂરી પૂરી થઈ ગયા પછી પણ જે બૅનર, હૉર્ડિંગ્સ અને પોસ્ટરો હટાવ્યા નહોતા, તેને પણ ઊતારી દેવામાં આવ્યા હતા.

લાઈસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ શનિવાર સાંજ સુધી ચાલેલી કાર્યવાહી દરમ્યાન ૫,૫૨૨ બૅનર, ૧,૨૬૬ બોર્ડ, ૫૦૮ પોસ્ટર તેમ જ ૪૯૩ ઝંડાઓને હટાવવામાં આવ્યા હતા. આગામી દિવસો દરમ્યાન આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.