રૂ. 245 કરોડના ડ્રગ કેસમાં ઓરીને મુંબઈ પોલીસનું સમન્સ: નોરા ફતેહીએ આપી ચેતવણી…

મુંબઈ: ફેબ્રુઆરી 2024માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 741 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન, મહિલાએ ખુલાસો કર્યો હતો કે આ ડ્રગ્સ સલીમ શેખ અને તેના નેટવર્ક સાથે જોડાયેલી ફેક્ટરીઓમાંથી આવતું હતું. આ માહિતીના આધારે, પોલીસે સાંગલીમાં એક કેમિકલ ફેક્ટરી શોધી કાઢી, જ્યાં 122.5 કિલો MD અને ડ્રગ બનાવતા રસાયણો જપ્ત કરવામાં આવ્યા, જેની કિંમત આશરે રૂ. 245 કરોડ હોવાનું માનવામાં આવે છે. રૂ. 245 કરોડના ડ્રગ્સના કેસમાં અનેક ફિલ્મી હસ્તીઓના નામ પણ સામે આવ્યા છે. એક ફિલ્મી હસ્તને તો મુંબઈ પોલીસનું સમન્સ આવ્યું છે. આ ફિલ્મી હસ્તી કોણ છે, આવો જાણીએ.
ડ્રગ્સ કેસમાં અનેક ફિલ્મી હસ્તીઓનું નામ
મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરી (ઓરહાન અવત્રમણિ)ને રૂ. 252 કરોડના ડ્રગ કેસના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા છે. ઓરીને એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC)ના ઘાટકોપર યુનિટમાં આવતીકાલે (20 નવેમ્બર, 2025) સવારે 10 વાગ્યે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કાર્યવાહી ડ્રગ કેસના આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખની ધરપકડ બાદ તેના ચોંકાવનારા ખુલાસાના આધારે કરવામાં આવી છે. આરોપી શેખ પર ભારત અને વિદેશમાં ડ્રગ પાર્ટીઓનું આયોજન કરવા અને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે.
આરોપી શેખે પૂછપરછમાં દાવો કર્યો કે, તેણે ભૂતકાળમાં નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર અને તેના ભાઈ સિદ્ધાર્થ કપૂર, ઝિશાન સિદ્દીકી, ઓરી ઉર્ફે ઓરહાન, અબ્બાસ મસ્તાન, લોકા અને અન્ય ઘણા લોકો સાથે ભારત અને વિદેશમાં ડ્રગ પાર્ટીઓનું આયોજન કર્યું હતું. શેખે એ પણ સ્વીકાર્યું હતું કે તે આ પાર્ટીઓમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યો હતો. તેણે આ ફિલ્મી હસ્તીઓને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું.
મુંબઈ પોલીસ હવે આ દાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેના ભાગરૂપે ઓરીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ઓરી એક લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે જે અવારનવાર બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે જોવા મળે છે.
નોરા ફતેહીએ આપી સ્પષ્ટતા
ડ્રગ કેસમાં નામ સામે આવ્યા બાદ અભિનેત્રી નોરા ફતેહીએ સોશિયલ મીડિયા દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા આપી છે. નોરા ફતેહી જણાવ્યું છે કે, “તમારી માહિતી માટે, હું પાર્ટીઓમાં જતી નથી. હું સતત કામ કરું છું. મારું કોઈ અંગત જીવન નથી. હું આવા લોકો સાથે જોડાતી નથી. જો હું સમય કાઢું છું, તો હું દુબઈમાં મારા ઘરે અથવા નજીકના મિત્રો સાથે સમય વિતાવવાનું પસંદ કરું છું. મને લાગે છે કે હું એક સરળ ટાર્ગેટ છું, પરંતુ હું આવું ફરીથી નહીં થવા દઉં.”
નોરાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “લોકોએ મને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો, જૂઠું બોલ્યા. પરંતુ તેનાથી કોઈ ફર્ક પડ્યો નહીં. જ્યારે લોકો મારું નામ ખરાબ કરી રહ્યા હતા. તેમ છતાં હું ચૂપ રહી હતી. પરંતુ હવે મારા ફોટા અને નામને એવી બાબતોથી દૂર રાખો, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. નહીંતર તેનું પરિણામ સારું આવશે નહીં.”



