દિવાળીની ભેટ: મુંબઈ પોલીસે રૂ. 19 કરોડની ખોવાયેલી-ચોરાયેલી માલમતા પરત કરી

મુંબઈ: દિવાળીની પૂર્વ સંધ્યાએ મુંબઈ પોલીસે 19 કરોડ રૂપિયાની ચોરાયેલી કે ગુમાવેલી માલમતા મુંબઈવાસીઓને પરત કરી દીધી છે. ગયા અઠવાડિયે ચોરાયેલો માલ પરત કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આને કારણે ફરિયાદીઓ રાજીના રેડ થઈ ગયા છે. પાછી આપવામાં આવેલી માલમતામાં મોબાઇલ ફોન, વાહનો, સોનાના દાગીના વગેરેનો સમાવેશ થાય છે.
શહેરમાં વિવિધ પ્રકારની ચોરી થાય છે. ઘરફોડ ચોરી કરીને માલ ચોરી થાય છે, મોબાઈલ ફોનની ચોરી થાય છે, રસ્તા પર સોનાની ચેન ચોરી થાય છે, વાહનોની ચોરી થાય છે, મુસાફરી દરમિયાન માલની ચોરી થાય છે. મુંબઈમાં આવી ચોરીની સંખ્યા વધી રહી છે.
આપણ વાંચો: શક્ય હોય તો દક્ષિણ મુંબઈ તરફ જવાનું ટાળજોઃ મુંબઈ પોલીસે કરી અપીલ
નેશનલ ક્રાઇમ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોએ તાજેતરમાં બહાર પાળેલા 2023ના ક્રાઇમ રિપોર્ટ અનુસાર મુંબઈમાં ચોરીના 1 હજાર 243 અને ખંડણીના 326 કેસ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવ્યા હતા. આ ગુનાઓની તપાસ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર દેવેન ભારતીએ તમામ પોલીસ કર્મચારીઓને દિવાળીના તહેવાર દરમિયાન ગુનાની તપાસ કરવા અને જપ્ત કરાયેલ માલ ફરિયાદીઓને પરત કરવા નિર્દેશ આપ્યો હતો.
આપણ વાંચો: રેસ્ટોરાંમાં ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે કપિલ શર્માની સુરક્ષા વધારી…
સંયુક્ત પોલીસ કમિશનર (ઓફિસ અને એડમિનિસ્ટ્રેશન) સત્યનારાયણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
છેલ્લા અઠવાડિયામાં કુલ 4 હજાર 169 નાગરિકોને તેમની ખોવાયેલી અથવા ચોરેલી માલમતા પરત કરવામાં આવી છે. માલમતામાં મોબાઇલ, ફોર વ્હીલર અને ટુ-વ્હીલર, ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી, લેપટોપ અને અન્ય કિંમતી ચીજોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ માલમતાની કિંમત 18 કરોડ 98 લાખ 51 હજાર 16 રૂપિયા છે.