સેમી ફાઇનલની મેચ પહેલા મુંબઈ પોલીસને મળી મોટી ધમકી, પ્રશાસન બન્યું સતર્ક
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલની પ્રથમ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ તે પહેલા મેચને નિશાન બનાવવામાં આવશે તેવી ધમકી મળી છે. મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મેચ દરમિયાન કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવશે. એક અજાણ્યા શખ્સે સોશિયલ મીડિયા એક્સ પર આ ધમકી આપી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહી છે.
ધમકી આપનાર શખ્સે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને ગોળીઓના ફોટા સાથે મુંબઈ પોલીસના અકાઉન્ટને ટેગ કર્યું હતું. આ સિવાય ‘મેચ દરમિયાન અમે આગ લગાવીશું’ તેવા મેસેજ સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “એક અજાણ્યા શખ્સે એક્સ પર મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ પોસ્ટ કર્યો હતો કે આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે ઘટનાને અંજામ આપવામાં આવશે. સ્ટેડિયમના વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. વ્યક્તિએ તેની પોસ્ટમાં મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને ફોટામાં બંદૂક, ગ્રેનેડ અને ગોળીઓ બતાવી હતી.”
મેચને દરમિયાન સુરક્ષા માટે 7 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, 200 ઓફિસર અને 700 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વાનખેડે આ સિવાય પોલીસે સ્ટેડિયમમાં પેન, પેન્સિલ, માર્કર, કોરા કાગળો, બેનરો, પોસ્ટર, બેગ, સિક્કા તેમજ પાવર બેંક અને જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.