Mumbai crime: શાબાશ મુંબઇ પોલીસ! મહિલાએ ઓનલાઇન ફ્રોડમાં ગુમાવેલ 3.80 કરોડ 48 કલાકમાં રિકવર
મુંબઇ: મુંબઇના સાઇબર ક્રાઇમ વિભાગને એક મોટી સફળતા મળી છે. પોલીસને શેયર ટ્રેડિંગના માધ્યમથી ઓન લાઇન ફ્રોડનો શિકાર બનેલી એક મહિલાને તેની રકમ પાછી અપાવવામાં સફળતા મળી છે. આ માટે પોલીસે લગભગ 48 કલાક સુધી કામ કર્યુ અને આરોપીની અટક કરી છે. આરોપીના ખાતાને ફ્રીજ કરી પોલીસે મહિલાને તેની રકમ પાછી આપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ મહિલાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી શેર ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે લાલચ આપાવામાં આવી હતી. અને તેની પાસેથી 3.80 કરોડ લૂંટી લીધા હતાં. પોલીસે જણાવ્યું કે જ્યારે મહિલાને તેની સાથે ફ્રોડ થયું છે એવી જાણ થઇ તેણે તરત જ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલા ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહી હતી ત્યારે તેણે શેર માર્કેટમાં રોકાણ માટેની જાહેરાત જોઇ. મહિલાએ જ્યારે એના પર ક્લિક કર્યું કે તરત જ તેને બીજા પ્રોફાઇલ પર રિડાયરેક્ટ કરવામાં આવી. અહીં તેને શેર માર્ટેકમાં સારા રિટર્નની લાલચ આપવામાં આવી. મહિલાએ કુલ 4.56 કરોડનું રોકાણ કર્યુ હતું. એપ પર તેનું રિટર્ન પણ દેખાઇ રહ્યું હતું. પણ તે તેના ખાતામાંથી પૈસા ઉપાડી શકી નહતી. ત્યારે તેને ફ્રોડ થયાની જાણ થઇ હતી.
સાઇબર ક્રાઇમ પોલીસના ડીસી ડો. ડી સ્વામીએ કહ્યું કે, આવા ફ્રોડમાં તરત જ ફરિયાદ નોંધાવવી જરુરી છે. કારણ કે આવા સમયે પીડિતના પૈસાની સુરક્ષા માટે વધુ સમય મળી જાય છે. જે ખાતામાં પૈસા જમા થયા હોય તેને ફ્રીજ કરી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપીઓએ 26 બેન્કોના 71 બેંકખાતામાંથી 171 વાર ટ્રાન્ઝેક્શન કર્યુ હતું. પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદ, નવી મુંબઇ અને દુબઇની બેન્કમાંથી પૈસા કાઢવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા મુજબ પીડિત મહિલાએ 4 થી 6 જાન્યુઆરીની વચ્ચે પૈસા ઇન્વેસ્ટ કર્યા હતાં. તેને 7 જાન્યુઆરીના રોજ ફ્રોડ થયું હોવાની જાણ થઇ. તેણે આ વાતની ફરિયાદ હેલ્પલાઇન નંબર 1930 પર કરી. પોલીસને તપાસમાં જાણ થઇ કે ફ્રોડના પૈસા અલગ-અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. આ રીતે લગભગ 70 થી 80 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતાં.