ગણેશોત્સવ માટે મુંબઈ પોલીસ સજ્જ: 17,600થી વધુ પોલીસ રહેશે ખડેપગે…
11,000 સીસીટીવી કેમેરાથી ભીડ પર દેખરેખ, ડ્રોનનો ઉપયોગ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિઘ્નહર્તાનું બુધવારે વાજતે-ગાજતે આગમન થવાનું હોવાથી મુંબઈ પોલીસે પણ બંદોબસ્ત માટેની તૈયારી કરી લીધી છે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન નિર્માણ ન થાય એ માટે મહાનગરમાં 17,600થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
ભીડ પર દેખરેખ રાખવા માટે 11,000થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવાયા છે અને ડ્રોનનો પણ ઉપયોગ કરાશે. બીજી તરફ બાપ્પાના આગમન અને વિસર્જન દરમિયાન વાહનવ્યવહારની સરળતા માટે ટ્રાફિક પોલીસે પણ પોતાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સાર્વજનિક મંડળો દ્વારા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભાવિકો પણ મોટા પ્રમાણમાં ગણપતિના દર્શન કરવા માટે આવતા હોય છે.
આથી ગણેશોત્સવ વખતે મુંબઈ પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 36 ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી), 51 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી), 2,637 પોલીસ અધિકારી અને 14,430 કર્મચારી તહેનાત હશે.
મહત્ત્વનાં સ્થળોએ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની 12 પ્લાટૂન સહિત આરપીએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ, ડેલ્ટા, કોમ્બેટ તથા હોમ ગાર્ડસ પણ બંદોબસ્તમાં હાજર રહેશે. એ સિવાય બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) તેમ જ ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવશે.
આવશ્યતા અનુસાર ધોડેસવાર પોલીસ યુનિટને પણ કામે લગાવાશે. ખાસ કરી લાલબાગચા રાજા ગણપતિ મંડળ માટે અલગથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
‘અમે ગણેશ મંડળો સાથે છેલ્લા થોડા દિવસમાં અનેક બેઠકો યોજી છે, જેમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવણી માટે સૂચનાઓ આપવામાં આવી છે. વિસર્જન સ્થળ અને સમુદ્રકાંઠાઓ પર પૂરતો બંદોબસ્ત રખાશે, જેમાં ગિરગામ ચોપાટી ખાતે વિશેષ સુરક્ષાવ્યવસ્થા રહેશે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
એ ઉપરાંત વોચટાવર્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, બીટ માર્શલો તેમ જ સાદાવેશમાં પોલીસ જવાનો તહેનાત રહશે. ગિરદીના સ્થળે સંયમ રાખવા અને સહકાર આપવા તથા શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરે પડે તો પોલીસ હેલ્પલાઇન 100/112 પર સંપર્ક સાધવા પોલીસે લોકોને અપીલ કરી છે.
આ પણ વાંચો…ગણેશોત્સવમાં પર્યાવરણને અનુકૂળ વિસર્જન માટે મુંબઈમાં ૨૭૫થી વધુ કૃત્રિમ તળાવો