આખરે Mumbai Policeએ કરી Dawoodની ધરપકડ…

મુંબઈઃ છેલ્લાં 40 વર્ષથી ફરાર આરોપી પાપા ઉર્ફ દાઉદ બંદુ ખાન (70)ની આગ્રાથી ધરપકડ કરવામાં મુંબઈ પોલીસને સફળતા મળી હતી. આરોપી ધરપકડથી બચવા માટે ઓળખ બદલીને રહેતો હતો. ડી. બી. માર્ગ પોલીસને ટ્રેપ ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
બળાત્કારના ગુનાનો આરોપી પાપા ઉર્ફ દાઉદ બંદુ ખાનના 1984માં ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં દાઉદ ગેરહાજર રહેવા લાગ્યો અને આખરે સેશન્સ કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો. તેની વિરુદ્ધમાં બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. છેલ્લાં 40 વર્ષથી દાઉદ ફરાર હતો અને એને કારણે કોર્ટમાં કેસ પેન્ડિંગ પડ્યો હતો.
આખરે મુંબઈ પોલીસને બળાત્કારના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ અનુસાર ફરાર આરોપીની મુંબઈ ખાતે આવેલા ફોકલેન્ડ રોડ કાતે તપાસ કરવામાં આવી હતી, પણ તેની ભાળ મળી નહીં. પોલીસની ટીમે આસપાસના પરિસરમાં તપાસ કરી હતી અને એ સમયે તેમને એવું જાણવા મળ્યું હતું કે આરોપી ફોકલેન્ડ ખાતેનું ઘર વેચીને પરિવાર સાથે ઉત્તર ભારતમાં જતો રહ્યો હોવાની માહિતી મળી હતી. પણ આરોપી ઉત્તર ભારતમાં દાઉદ ક્યાં છે એની માહિતી મળી શકી નહોતી.
પોલીસ હવાલદાર રાણેએ દાઉદના સંપર્કમાં રહેલી વ્યક્તિની તપાસ કરી હતી. એક ખબરી પાસેથી મુંબઈ પોલીસને દાઉદનું સરનામું મળ્યું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે આરોપી આગ્રા પરિસરમાં રહેતો હોવાની માહિતી મળતાં જ મુંબઈ પોલીસે ટ્રેપ ગોઠવીને દાઉદને ઝડપી લીધો હતો. દાઉદને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવ્યો હતો.