આમચી મુંબઈ

સારા વળતરની લાલચે મહિલા સાથે 3.75 કરોડ રૂપિયાની છેતરપિંડી…

નાણાં પાછાં માગતાં મહિલાને દુબઈના ગૅન્ગસ્ટર દ્વારા મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: સારા વળતરની લાલચે 54 વર્ષની મહિલા અને તેની બહેન પાસેથી 3.75 કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ફાઈનાન્સ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બન્ને બહેને પોતાનાં નાણાંની માગણી કરતાં આરોપીએ દુબઈના ગૅન્ગસ્ટરની મદદથી મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી ખારઘરની વતની છે, પણ કામ નિમિત્તે હાલમાં તે પરિવાર સાથે દુબઈમાં રહે છે. મહિલાની ફરિયાદને આધારે ઍરપોર્ટ પોલીસે શુક્રવારે એફઆઈઆર નોંધ્યો હતો. તપાસ માટે આ કેસ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સેલમાં ટ્રાન્સફર કરાયો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેની મોટી બહેનને થોડાં વર્ષ અગાઉ પિતાના પૂર્વજોની મિલકતમાંથી ખાસ્સી એવી રકમ મળી હતી. આ રકમ પરનો ભારે ટૅક્સ ભરવામાંથી બચવા માટે સીએએ અમુક જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપી હતી. 2021માં ફરિયાદી હરિહરન ઉર્ફે હરિ અય્યર (52)ના સંપર્કમાં આવી હતી. અય્યર ફાઈનાન્સ કંપની ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. તેની કંપનીમાં રોકાણ કરવા પર 18 ટકા વળતર આપવાની ખાતરી અય્યરે ફરિયાદીને આપી હતી. તેણે ઘણી મોટી હસ્તીઓને 18 ટકાનો નફો સફળતાપૂર્વક આપ્યો હોવાનો દાવો કર્યો હતો.

અય્યર પર વિશ્વાસ કરી બન્ને બહેને તેની કંપનીમાં 2021થી 2022 દરમિયાન 3.85 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ પર 11 મહિનામાં 18 ટકા નફો આપવાની ખાતરી અય્યરે આપી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદીએ 11 મહિના પછી સંપર્ક સાધતાં વ્યવસાયમાં નુકસાન થયું હોવાનું કારણ અય્યરે રજૂ કરી છ મહિનામાં નાણાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. છ મહિના પછી પણ તેણે બહાનાં કરવાનાં ચાલુ રાખ્યાં હતાં. બાદમાં ફરિયાદીને 10 લાખ રૂપિયા ચૂકવીને બાકીની રકમ 31 માર્ચ, 2024 પહેલાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી, એવું એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું.

આપણ વાંચો : આઇપીએલની ટી-20 મેચ પર સટ્ટો: નવી મુંબઈથી ત્રણ પકડાયા

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વારંવાર ઉડાઉ જવાબ આપ્યા પછી અય્યરે ગાળાગાળી કરી ધમકી આપી હતી. અય્યરે કહ્યું હતું કે તે દુબઈમાં તેના ખરાબ હાલ કરી નાખશે. દુબઈના બધા ભાઈ તેના સંપર્કમાં છે અને ડી કંપનીની પણ દુબઈમાં સારી પકડ છે. અય્યરે રૂપિયા પાછા આપવાનો ઇનકાર કરતાં બન્ને બહેનોએ ઍરપોર્ટ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button