દિવાળી માટે ડ્રોન કે ફ્લાઈંગ કંદિલ ખરીદવાનો વિચાર કરતા હો તો આ વાંચી લો

મુંબઈઃ નવરાત્રીનો થાક ઉતર્યો નહીં હોય ત્યાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. દિવાળી પહેલાની સફાઈ અને ખરીદી લગભગ દરેક પરિવાર કરે છે. જો પરિવારમાં બાળકો કે યુવાનીયાઓ હોય તો હોમ ડેકોરેશન પણ મહત્વનું બની રહે છે. આ સાથે ફટાડકા અને રંગબેરંગી કંદિલની ખરીદી ચોક્કસ થાય છે. આજના સમયમાં ઘણા ડ્રોન ઉડાડતા પણ થઈ ગયા છે, પરંતુ મુંબઈગરાઓ જો આવો કોઈ પ્લાન કરી રહ્યા હોય તો તેમણે પહેલા આ ખબર વાંચી લેવાની જરૂર છે.
નાગરિકોની સુરક્ષા માટે મુંબઈ પોલીસનો નિર્ણય
મુંબઈ ખૂબ જ ગીચ શહેર છે અને અહીં એક સામાન્ય અકસ્માત પણ ઘણા લોકોને અસર પહોંચાડી શકે છે. આથી દિવાળીમાં કોઈ અઘટિત ઘટના ન બને અને તહેવારોની રંગત જળવાઈ રહે તે માટે મુંબઈ પોલીસે ડ્રોન અને ફ્લાઈંગ કંદિલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમનો ભંગ કરનારા સામે ભારતીય આચારસંહિતા અનુસાર પગલા લેવામાં આવશે, તેમ પણ પોલીસસૂત્રોએ સ્પષ્ટ કર્યું છે.
મુંબઈ પોલીસના અધિકારક્ષેત્રમાં 7મી ઑક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ડ્રોન, રિમોટ કન્ટ્રોલ માઈક્રો-લાઈટ એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હોટ એર બલૂન વગેરે જેવી આકાશમાં થતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જાહેર કરવામા આવ્યો છે. જો કોઈને ખાસ પરવાનગી આપવામાં આવી હોય તો તેમની માટે આ નિયમો લાગુ પડશે નહીં.
મુંબઈમાં ફટાકડા મોટા પ્રમાણમાં ફોડવામાં આવે છે, જેમાં રોકેટ અને આતિશબાજી પણ ભરપૂર થાય છે. આજકાલ લોકો ડ્રોન અને ફ્લાઈંગ કંદિલ પણ તહેવારોની ઉજવણીમાં મોટા પ્રમાણમાં વાપરે છે. આ બધાને લીધે આગ લાગવાની ઘટના થવાની પૂરી સંભાવના છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ મુંબઈ પોલીસે બન્નેના ખરીદી અને વેચાણ સામે પ્રતિબંધ મૂક્યો છે અને ઉલ્લંઘન કરનારને ભારતીય આચાર સંહિતા અનુસાર કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર સરકારે કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો, આદેશ જારી