ફાયરિંગ કરી વેપારીના 47 લાખના દાગીના લૂંટ્યા: મુખ્ય આરોપીની વર્ષ બાદ ધરપકડ

35 ગુનામાં સામેલ આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ, રોકડ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) નજીક ગોળીબાર કરી વેપારી પાસેના 47 લાખ રૂપિયાના દાગીના લૂંટવાના કેસમાં ફરાર મુખ્ય આરોપીને એમઆરએ માર્ગ પોલીસે એક વર્ષ બાદ રાયગડ જિલ્લાના નેરળથી ઝડપી પાડ્યો હતો. 35 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની ઓળખ કૈલાશ મધુરા સૂર્યવંશી ઉર્ફે કે.પી. તરીકે થઇ હોઇ તેની પાસેથી પિસ્તોલ, કારતૂસો અને 13 લાખની રોકડ જપ્ત કરાઇ હતી.
કાલબાદેવી વિસ્તારમાં રહેતો ફરિયાદી ચિરાગ ધંદુકિયા 6 જાન્યુઆરી, 2025ની રાતે તેના ભત્રીજા સાથે દાગીના લઇને સ્કૂટી પર જઇ રહ્યો હતો ત્યારે સીએસએમટી નજીક પી. ડિમેલો રોડ પર બ્લ્યુ ગેટ નજીક ત્રણથી ચાર અજાણ્યા શખસોએ તેમને રોક્યા હતા. આરોપીઓએ ચિરાગ અને તેના ભત્રીજાની મારપીટ કરી હતી અને બાદમાં ભત્રીજા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
બાદમાં ચિરાગ પાસેના દાગીના લૂંટી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ફાયરિંગના ચિરાગનો ભત્રીજો ઘાયલ થયો હતો. એમઆરએ માર્ગ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને કિરણ ધનાવડે, અરુણ મદિયા સહ ચાર આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે કૈલાશ સૂર્યવંશી ફરાર હતો. આ કેસમાં બાદમાં મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ લગાવાયો હતો.
દરમિયાન ફરાર કૈલાશ સૂર્યવંશી વિવિધ રાજ્યોમાં પોતાનું નામ બદલીને રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમ તેની શોધમાં દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જઇ આવી હતી. આખરે એક વર્ષ બાદ પોલીસે મળેલી માહિતીને આધારે તેને નેરળથી ઝડપી પાડ્યો હતો.
કૈલાશ સૂર્યવંશીનું ઉલ્હાસનગરનું સરનામું મળ્યા બાદ પોલીસ ટીમે તેનો ફોટો ત્યાંના અમુક પાનના સ્ટોલધારકોને બતાવ્યા હતા. કૈલાશને સોપારી ખાવાની આદત હતી. આથી પોલીસ એક સ્ટોલની નજીક નજર રાખી હતી. કૈલાશ 6 જાન્યુઆરી, 2026ના રોજ નેરળમાં ડોક્ટર પાસે જવા નીકળ્યો ત્યારે પોલીસે તેને તાબામાં લીધો હતો.



