31 ડિસેમ્બર સુધી ‘મુંબઈ વન’ એપમાં BHIM UPI દ્વારા ટિકિટ ખરીદી પર મેળવો 20% ડિસ્કાઉન્ટ!

મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ ઈન્ટિગ્રેટેડ ટિકિટિંગ સિસ્ટમ યોજના હેઠળ મુંબઈ વન એપ શરુ કરી છે. આ એપ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મેટ્રો, રેલવે, બેસ્ટ બસ સેવાઓ માટે ઈ-ટિકિટ કઢાવવાની સુવિધા પૂરી પાડે છે.
એમએમઆરમાં મુસાફરો રેલ, બેસ્ટ, મેટ્રો, મોનોરેલ, તેમજ પાંચ નગરપાલિકાઓની બસ સેવાઓ દ્વારા મુસાફરી કરે છે. દરેક મુસાફરી માટે તેમણે અલગ ટિકિટ ખરીદવી પડે છે. આમાં સમય લાગે છે અને કતારોમાં ઉભા રહેવું પડે છે. આને ધ્યાનમાં રાખીને, એક સંકલિત ટિકિટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેથી મુસાફરો એક જ ટિકિટ લઈને તમામ જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરી કરી શકે. MMRDA ઘણા વર્ષોથી આ યોજના પર કામ કરી રહ્યું હતું, પરંતુ આખરે ઓક્ટોબરમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી.
આ પણ વાંચો: WhatsApp લાવ્યું ધાંસુ ફિચર, હવે એપમાં જ થશે ફેક્ટ ચેક
આ સુવિધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. મુંબઈ વન એપ દ્વારા, MMRDA મુસાફરોને એક જ ટિકિટ પર મોનોરેલ, મેટ્રો, રેલ્વે, બસ અને પાંચ નગરપાલિકાઓની બસ સેવાઓમાં મુસાફરી કરવાની સુવિધા આપે છે. આ ટિકિટ દ્વારા મુસાફરી કરવી હવે સરળ બની ગઈ છે. હવે, MMRDAએ મુંબઈ વન એપ પરથી BHIM UPI નો ઉપયોગ કરીને ખરીદેલી ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટની યોજના શરૂ કરી છે.
જો તમે BHIM UPIનો ઉપયોગ કરીને 20 રૂપિયાની ટિકિટ ખરીદો છો, તો તમને 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ ડિસ્કાઉન્ટ મહિનામાં વધુમાં વધુ છ વ્યવહારો પર ઉપલબ્ધ રહેશે. આ યોજના 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. MMRDA એ વધુને વધુ મુસાફરોને આ સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જો મુસાફરોને મુંબઈ વન એપ અંગે કોઈ ફરિયાદ, પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તેઓ તેના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર 1800-268-4242 પર સંપર્ક કરી શકે છે.



