હવે Ola-Uberમાં પ્રવાસ કરવાનું બનશે મોંઘું, કિલોમીટર દીઠ ચૂકવવું પડશે આટલું ભાડું… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

હવે Ola-Uberમાં પ્રવાસ કરવાનું બનશે મોંઘું, કિલોમીટર દીઠ ચૂકવવું પડશે આટલું ભાડું…

મુંબઈઃ મુંબઈમાં રીક્ષા, ટેક્સીની સેવાઓ એપ આધારિત હોય કે ન હોય, સેવાઓમાં ઠેકાણાં ન હોવાની રોજની સેંકડો ફરિયાદો હોય છે. આ સેવાઓમાં કોઈ સુધારો થતો નથી, પણ છાશવારે ભાડાં વધારો અવશ્ય થઇ જાય છે. થોડા સમય પહેલાં જ ટેક્સી-રિક્ષા ચાલકોએ ભાડાં વધારો કર્યો હતો. ત્યાર બાદ એપ આધારિત ટેક્સી-રિક્ષા ચાલકોએ પહેલા હડતાળ પાડી અને હવે મુસાફરો પર ભાડાં વધારો ઝીંકી દીધો છે.

છેલ્લા ચાર દિવસથી, એપ-આધારિત ટેક્સી અને રિક્ષા ચાલકો વિવિધ માંગણીઓ માટે હડતાળ પર હતા. જોકે, હડતાળની અસર તેમની પોતાની આવક પર થવા લગતા મુશ્કેલીમાં મુકાયેલા એપ-આધારિત રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરટીઓ દ્વારા નક્કી કરાયેલા ભાડાને તમામ એપ-આધારિત સેવાઓ પર લાગુ કરવાની મુખ્ય માંગ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. પરિણામે મુંબઈમાં એપ-આધારિત ટેક્સી ડ્રાઇવરોએ પ્રતિ કિમી ૩૨ રૂપિયા ભાડું વસૂલીને મુસાફરોને સેવા આપવાનો નિર્ણય લીધો છે. જો મંગળવાર સુધીમાં આરટીઓ સકારાત્મક નિર્ણય નહીં લે તો મહારાષ્ટ્ર કામદાર સભાએ બુધવારથી ફરી હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.

આ પણ વાંચો: ઓલા, ઉબર ડ્રાઇવરની ‘હડતાળ’માં ભંગાણ: પરિવહન પ્રધાનની મધ્યસ્થી બાદ કેટલાક સંગઠનો ખસ્યા

નાલાસોપારાના એક ડ્રાઇવરે આર્થિક મુશ્કેલીઓને કારણે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ બધા ડ્રાઇવરો આઝાદ મેદાનમાં ભેગા થયા હતા. ઓલા અને ઉબર જેવા એપ-આધારિત ટેક્સી ડ્રાઇવરોને પ્રતિ કિમી ૮ થી ૧૨ રૂપિયા ભાડું ચૂકવવામાં આવી રહ્યું હતું. રાજ્યભરના ડ્રાઇવરો માંગ કરી રહ્યા હતા કે પ્રાદેશિક પરિવહન સત્તામંડળ દ્વારા નક્કી કરાયેલા દરો બધી એપ-આધારિત સેવાઓ પર લાગુ કરવામાં આવે.

એપ આધારિત ટેક્સી-રિક્ષા ચાલકો હવે ‘ઓન્લી મીટર’ વેબસાઇટનો ઉપયોગ કરીને ભાડું વસૂલશે. મુસાફરો ઓલા, ઉબર અથવા અન્ય એપ દ્વારા ટેક્સી-રિક્ષા બુક કરાવ્યા પછી, એપ પર દર્શાવેલ ભાડાને બદલે ‘ઓન્લી મીટર’ વેબસાઇટ પર દર્શવાયેલ ભાડું વસૂલવામાં આવશે. ભાડું પ્રતિ કિમી ૩૨ રૂપિયાના દરે વસૂલવામાં આવશે.

આ પણ વાંચો: ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડ કરવાની મંજૂરી આપવા પર થઈ રહ્યો છે વિચાર…

ઓલા અને ઉબર એપ્સ પર દર્શાવેલ રકમ કરતાં વધુ ભાડું વસૂલવામાં આવે તો ડ્રાઇવરો અને મુસાફરો વચ્ચે વિવાદ થવાની શક્યતા છે. જોકે, પુણેમાં આ પ્રયોગ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. ‘ઓન્લી મીટર’ દ્વારા વસૂલવામાં આવતા ભાડાથી મુસાફરો અને ડ્રાઇવરો બંનેને ફાયદો થશે, એમ મહારાષ્ટ્ર કામદાર સભાના પ્રમુખ ડૉ. કેશવ ક્ષીરસાગરે જણાવ્યું હતું.

વાહન ચાલકોએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે વાહન ચલાવવું પડે છે. તેથી, હાલ પૂરતું હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પણ, જો મંગળવારે માંગણીઓ પૂર્ણ નહીં થાય અને સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો મોટી સંખ્યામાં વાહન ચાલકો ફરીથી હડતાળ પર ઉતરશે, તેવી ચેતવણી પણ ક્ષીરસાગરે ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Ola, Uber બાદ હવે આ જાણીતી ઈ-કોમર્સ વેબસાઈટ પર લાગ્યો ગંભીર આરોપ…

વાહન ચાલકોની માંગણી વાજબી હોય તો પણ, એપ આધારિત વાહન સેવામાં વારંવાર અને છેલ્લી ઘડીએ થતા કેન્સલેશન, ઓનલાઇન ચુકવણીના બદલે રોકડામાં ચુકવણીની માંગણી જેવી સમસ્યાઓ માંથી મુસાફરોએ ક્યારે છુટકારો મળશે, તેનો જવાબ કોઈની પાસે છે ખરો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button