પાલિકાએ એપ્રિલ ફૂલ બનાવ્યા:ક્લીન માર્શલ્સની જગ્યા લેશે ન્યુસન્સ માર્શલ આવશે

મુંબઈ: મુંબઈમાં પાંચ એપ્રિલથી ક્લીન-અપ માર્શલ્સ યોજના બંધ કરવામાં આવી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ હવે તેમની જગ્યાએ ‘ન્યુસન્સ સ્કવોડ’ને ગોઠવી નાખવાની છે. એટલે કે હવે ક્લીન-અપ માર્શલ્સને બદલે ગંદકી ફેલાવનારા પર આ ન્યુસન્સ સ્કવોડ નજર રાખશે અને તેમની પાસેથી દંડની રકમ વસૂલ કરશે. હાલ ‘ન્યુસન્સ સ્કવોડ’ની ૧૧૮ પોસ્ટમાંથી ૯૭ પોસ્ટ ખાલી છે. તેથી બહુ જલદી આ પોસ્ટ ભરવા પર પાલિકા ભાર આપવાની છે.
પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે સાર્વજનિક સ્થળે ગંદકી ફેલાવનારા પાસેથી દંડ વસૂલનારા ક્લીન-અપ માર્શલ્સની યોજના પાલિકાએ પાંચ એપ્રિલથી બંધ કરી રહી છે. તેથી હવે પાલિકાએ હવે ગંદકી ફેલાવનારા સામે પગલાં લેવા માટે પોતાની ન્યુસન્સ સ્કવોડને કામે લગાડવાની છે. આ સ્કવોડમાં હાલ ૯૭ પદ ખાલી છે. તેને પણ બહુ જલદી ભરવામાં આવવાના છે. આ સ્કવોડ સાર્વજનિક સ્થળો પર ગંદકી કરનારા પર નજર રાખવાનું કામ કરવાની છે.
અગાઉ વોર્ડ સ્તરે ‘ન્યુસન્સ સ્કવોડ’માં પાંચથી છ સ્ટાફ રહેતા હતા. આ સ્કવોડનું કામ સ્વચ્છતા પર ધ્યાન આપવાની સાથે જ રસ્તા પર થૂંકનારા, ટોઈલેટ કરનારા તથા લઘુશંકા કરનારા પાસેથી દંડની રકમ વસૂલ કરવાનું રહેશે. પાલિકા ૨૦૦૭માં ક્લીન-અપ માર્શલ્સ યોજના લાવી હતી, જેનું સ્થાન પછી ન્યુસન્સ સ્કવોડે લીધું હતું. સમય જતા અમુક કર્મચારીઓ રીટાયર્ડ થયા હતા અમુકની બદલી થઈ હતી. બાદમાં ખાલી પડેલી જગ્યા ભરવામાં આવી નહોતી. હવે જોકે કલીન-અપ માર્શલ્સ યોજના બંધ થવાની છે, તેથી હવે ન્યુસન્સ સ્કવોડમાં ભરતી કરવામાં આવવાની છે.
આ પણ વાંચો : ચર્ચગેટના કૂપરેજ ગ્રાઉન્ડમાં સુધરાઈ ઘોડાનું ચકડોળ બેસાડશે
રસ્તાની સફાઈ બે વખત થશે
એ સાથે જ હવે મુંબઈના રસ્તાઓની સફાઈ પણ હવે બે વખત કરવામાં આવવાની છે. હાલ ફક્ત મહત્ત્વના વોર્ડમાં જ બે વખત રસ્તાની સફાઈ થાય છે. હાલ રસ્તાની સફાઈ ૩,૦૦૦ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.
નાગરિકોમાં જનજાગૃતિ લાવશે
દેશના અનેક મોટા શહેરોની સાથે મહારાષ્ટ્રના પણ અનેક મેટ્રો શહેરોમાં નાગરિકો પાસેથી ‘યુઝર ફી’ વસૂલ કરવામાં આવે છે અને હવે તેને મુંબઈમાં લાગુ કરવામાં આવવાની છે, તેની સામે નાગરિકોની સાથે રાજકીય સ્તરે વિરોધ જાગ્યો છે ત્યારે પાલિકાએ હવે ‘યુઝર ફી’ ને લઈને નાગરિકોમાં વધુમાં વધુ માહિતી પહોંચી શકે તે માટે જનજાગૃતિ અમલમાં લાવવાની છે.
આ પણ વાંચો : મુંબઈગરાને લાગુ પડશે ‘યુઝર ફી’: ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ફી વસૂલાશે
મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી કચરો જમા કરીને તેને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવા માટે જ પાલિકાને લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. એ સિવાય કર્મચારીઓને આપવામાં આવતો પગારનો ખર્ચ તો અલગથી જ છે. તેથી પાલિકાએ હવે ‘યુઝર ફી’ને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. નાગરિકો તેમના વાંધા અને સલાહ સૂચનો પાલિકા સમક્ષ રજૂઆત કરી શકે છે. તેમના સલાહ-સૂચનો પણ સુનાવણી થશે અને ત્યારબાદ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.