આમચી મુંબઈ

મુંબઇની લોકલમાં રાતના મુસાફરી કરનારા સાવધાન!, ‘BATMAN’ આવી શકે છે

મુંબઇઃ મુંબઇની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો તો જાણે જ છે કે રાતના આઠ નવ વાગ્યા પછી ટિકિટચેકર લગભગ હોતા જ નથી અને ટ્રેનોમાં ખુદાબક્ષ મુસાફરોને મોકળુ મેદાન મળી જાય છે. લેડિઝ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં કે પછી એસી ટ્રેનોમાં તો આવા ખુદાબક્ષ મુસાફરોની સંખ્યા તો ટિકિટ લઇને પ્રવાસ કરનારા લોકોથી પણ વધારે હોય છે. આ અંગે વારંવાર રેલવેને ફરિયાદો પણ મળે છે. લોકોની ફરિયાદોનો નિવેડો લાવવા માટે પ. રેલવેએ એક ટીમ બનાવી છે, જે રાતના સમયે સ્ટેશનો પર ટિકિટ ચેક કરશે. આટીમને નામ આપવામાં આવ્યું છે ‘બેટમેન સ્ક્વોડ’. આ નામનો અર્થ થાય છે – બી અવેર TTE મેનિંગ એટ નાઇટ. આ નામ અંગ્રેજી શબ્દ બેટમેન પરથી લેવાનાં આવ્યો છે.

આ અંગે માહિતી આપતા રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અભિયાનની શરૂઆત 11 માર્ચની રાતથી જ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ અઢી હજાર ખુદાબક્ષ મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેને કારણે રેલવેને લગભગ સાડા છ લાખ રૂપિયાની આવક પણ થઇ છે. રેલવેએ જણાવ્યું હતું કે ‘બેટમેન સ્ક્વોડ’નું કામ માત્ર ટિકિટ ચેક કરવાનું જ નથી, પણ રેલવે સ્ટેશનો પર રાત્રે થતી ગતિવિધિઓ પર નજર રાખવાનું પણ છે. આવી તકેદારી રાખવાથી મહિલા પ્રવાસીઓને પણ ફાયદો થશે. રાતના સમયે લેડિઝ કોચમાં ‘બેટમેન સ્ક્વોડ’ના ચેકિંગને કારણે તેઓ સુરક્ષીત અનુભવશે.

સૌથી વધુ ફાયદો તો એસી ટ્રેનમાં પ્રવાસ કરતા લોકોને થશે કારણ કે રાતના સમયે બધાને ખબર જ હોય છે કે ટીસી તો હોવાના નથી અને લોકો બિન્દાસ એસી ટ્રેનમાં ચઢી જતા હોય છે, જેને કારણે સામાન્ય ટ્રેન કરતા પાંચ ગણી કિંમતે ટિકિટ , પાસ ખરીદીને એસી ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોને ભારે મુશ્કેલી પડે છે. તેમને બેસવાની પણ જગ્યા નથી મલતી. રેલવેને સોશિયલ મીડિયા પર રોજની આવી અનેક ફરિયાદો મળે છે.


આ ફરિયાદોના નિવારણ માટે જ રેલવેએ ‘બેટમેન સ્ક્વોડ’ રાખવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના મુંબઇ વિભાગે ડિજિટલ ટિકિટને પ્રોત્સાહન આપવા માટે અભિયાન પણછેડ્યું છએ જેને કારણે યુટીએસ મોબાઇલ એપ્લિકેશન અને ઓનલાઇન પાસ ધરાવતા લોકોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. તો હવે તમે પણ રાત્રે મુંબઇ લોકલમાં પ્રવાસ કરી રહ્યા હો અને તમને આવા બેટમેન નો ભેટો થઇ જાય તો ગભરાતા નહીં…. એ તમારી સુરક્ષા માટે જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button