BMCની હોસ્પિટલના ડસ્ટબિનમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો….

મુંબઈ: મુંબઈમાં નવ ડિસેમ્બરના રોજ એક બીએમસીની હોસ્પિટલના કચરામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જેના વિશે એક અધિકારીએ જાણકારી આપી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યું હતું કે સાયન હોસ્પિટલ તરીકે જાણીતી લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના સ્વચ્છતા કાર્યકરને વોશરૂમના ડસ્ટબીનની અંદર એક નવજાત શિશુનો મૃતદેહ જોતા જ તેમણે ફરજ પર હાજર તબીબોને જાણ કરી હતી. તબીબોએ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માટે મોકલી આપ્યું અને તરત જ પોલીસને જાણ કરી હતી.
સાયન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 317 (બાળકોને ફેંકી દેવા અને ત્યજી દેવા) હેઠળ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસ હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ નવજાત બાળકને ડસ્ટબિનમાં ફેંકી દીધું હતું. જ્યાં એક રાહદારીએ બાળકને કચરાપેટીમાં જોયું તરત જ પોલીસને જાણ કરી ત્યારબાદ તે બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું.