ગોરેગામ-અંધેરીને જોડશે નવો કેબલ સ્ટેડ બ્રિજ:૪૧૮ કરોડના ખર્ચે બનનારા બ્રિજનું કામ નવેમ્બરથી શરૂ થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ ઉપનગરમાં અંધેરીથી ગોરેગામ ઝડપથી પહોંચી શકાય તે માટે મુંબઈ મહાનગરપાલિકા ૪૧૮ કરોડ રૂપિયાના ખર્ચે ગોરેગામ ખાડી પર નવો કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની છે, જેનું કામ આવતા મહિનાથી શરૂ થવાનો અંદાજ છે. આ બ્રિજનું કામ ઑક્ટોબર, ૨૦૨૮ સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
પશ્ચિમ ઉપનગરમાં વર્ષોથી એસવી રોડ પર ટ્રાફિકની સમસ્યા રહી છે. લિંક રોડ પણ પીક અવર્સમાં પણ દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. તેથી સુધરાઈએ ગોરેગામથી ઓશિવરા વચ્ચે કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની છે. આ બ્રિજને કારણે એસવી રોડ અને લિંક રોડ પણ ભીડ ઓછી થશે અને વાહનચાલકો માટે ઉત્તર-દક્ષિણને જોડનારી નવી લિંક બની રહેશે.
પ્રસ્તાવિક બ્રિજ ગોરેગામ ખાડી પર ૫૪૨ મીટર લાંબો અને ૩૬.૬ મીટર પહોળો હશે અને આગળ લિંક રોડને બે ગીચ વિસ્તાર ગોરેગામના ભગત સિંહ નગર અને અંધેરીના ઓશિવરા વિસ્તારને જોડશે. પ્રસ્તાવિત બ્રિજ ભગતસિંહ નગર બ્લોક માટે એક નવો એપ્રોચ રોડ તરીકે કામ કરશે. એક વખત આ બ્રિજ બની જશે પછી તે અંધેરી, ઓશિવરા, લોખંડવાલા અને ગોરેગામના સ્થાનિકો માટે એક નવી લિંક સાબિત થશે.
આ પ્રોજેક્ટ માટે સૌ પહેલા ૨૦૨૨ની સાલમાં યોજના બનાવવામાં આવી હતી પણ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી જેવી એજન્સી તરફથી મંજૂરી મેળવવામાં થઈ રહેલા વિલંબને કારણે બાંધકામ અટવાઈ ગયું હતું. પ્રસ્તાતિ બ્રિજ સંરક્ષિત મેનગ્રોવ્ઝ વિસ્તારમાંથી પસાર થાય છે. આખરે મે મહિનામાં હાઈ કોર્ટે કેબલ સ્ટેડ બ્રિજ બનાવવાની મંજૂરી પાલિકાને આપી હતી.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ બ્રિજની કુલ લંબાઈ ૫૪૨ મીટર છે પણ બ્રિજના માળખાનો કેબલ સ્ટેડ ભાગ ૨૩૮ મીટરનો હશે. પર્યાવરણીય ફાયદાને ધ્યાનમાં રાખીને કેબલ સ્ટે બ્રિજની ડિઝાઈન બનાવવામાં આવી છે. કેબલને કારણે બ્રિજના થાંભલા ઓછો હશે અને તેને કારણે મેનગ્રોવ્ઝને અસર નહીં થશે.
આ બ્રિજ ૨૮.૫૫ મીટરની કુલ પહોળાઈ સાથે છ લેનનો હશે. દરેક બાજુએ ત્રણ-ત્રણ રોડ હશે. આ મહિનાની શરૂઆતમાં મેનગ્રોવ્ઝ વિસ્તારમાં કામ માટે નોટિસ બહાર પાડયા બાદ નવેમ્બરના પહેલા અઠવાડિયાથી પાલિકા કામ શરૂ કરવાનું આયોજન કરી રી છે.



