મુંબઈમાં નવરાત્રીના પહેલા પાંચ નોરતા વરસાદી વિધ્નની શક્યતાઃ જાણો આગાહી…

મુંબઈઃ મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છે અને હજુ આગામી પાંચ દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે ત્યારે નવરાત્રીના પહેલા પાંચ નોરતા આયોજકો-ખેલૈયાઓને નિરાશ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને કોંકણ-વિદર્ભમાં ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. સવારથી મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ અને તેજ પવન ફૂંકાશે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે વરસાદની આગાહી છે.
રાયગઢ, રત્નાગિરિ, નાશિક, પુણે, સોલાપુર સહિત મરાઠવાડામાં ભારે વરસાદના સંકેતો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. કેટલાંક વિસ્તારોમાં જળાશયો છલકાઈ ગયા છે અને જો ભારે વરસાદ થશે તો પુર જેવી સ્થિતિનું નિર્માણ થશે, તેમ પણ માનવામાં આવે છે.
મુંબઈમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ થઈ રહ્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદી ઝાપટા પડ્યા છે. આ વરસાદની તીવ્રતા વધશે અને આગામી પાંચ દિવસ શહેરમાં વરસાદી વાતાવરણ તો રહેશે જ, પણ ભારે વરસાદની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
મુંબઈ-થાણે સિવાય રાયગઢ, રત્નાગિરી, નાસિક, પુણે, સોલાપુર અને મરાઠવાડામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કોંકણ અને વિદર્ભમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. કોંકણના વાતાવરણની અસર મુંબઈને થતી હોય છે ત્યારે શહેરમાં પણ નવરાત્રીમાં વરસાદી વિધ્ન આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો…થાણે પોલીસનો સારો પ્રયાસ, બીજા શહેરોની પોલીસ કરે તો સારું પડે…