મુંબઈ-નાશિક હાઇવે પર સિમેન્ટ મિક્સર ઊંધું વળ્યું: ટ્રાફિક જૅમ થતાં વાહનચાલકો અટવાયા

મુંબઈ: મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાવ ટોલનાકા નજીક રવિવારે સવારે સિમેન્ટ મિક્સર ઊંધું વળી ગયું હતું. આ અકસ્માતને કારણે ટ્રાફિક જૅમ સર્જાતાં ભિવંડીથી થાણે, નવી મુંબઈ અને મુંબઈ તરફ જનારા વાહનચાલકો અટવાયા હતા.
મુંબઈ-નાશિક હાઇવે પર અંજુરગાવ ખાતેથી સિમેન્ટ મિક્સર રવિવારે સવારે ઘોડબંદર તરફ જઇ રહ્યું હતું. તેમાં પંદર ટન સિમેન્ટ કોંક્રીટ હતું. 11 વાગ્યે ખારેગાવ ટોલનાકા નજીક ડ્રાઇવર અરવિંદ ગુપ્તાએ અચાનક કાબૂ ગુમાવતાં સિમેન્ટ મિક્સર ડિવાઇડર સાથે ભટકાયા બાદ ઊંધું વળી ગયું હતું અને વાહનમાંનું ઓઇલ માર્ગ પર ઢોળાયું હતું.
દરમિયાન અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ, થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ તથા અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સિમેન્ટ મિક્સરને બાદમાં માર્ગ પરથી હટાવવા માટે ક્રેન મગાવવી પડી હતી અને માર્ગ પર ઢોળાયેલા ઓઇલ પર માટી નાખી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત જતું ગૅસ ટૅન્કર સળગ્યું: ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક જૅમ…
હાઇવે પર થયેલા આ અકસ્માતને કારણે ખારેગાવ ટોલનાકા, ખારેગાવ ખાડી પૂલ ખાતે ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને વાહનોની લાંબા લાઇન લાગી ગઇ હતી. ભિવંડી, નાશિકથી થાણે, નવી મુંબઈ અને મુંબઈ જનારા વાહનચાલકો ટ્રાફિક જૅમને કારણે હાઇવે પર અટવાયા હતા. સિમેન્ટ મિક્સરને માર્ગ પરથી હટાવાયા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો.