ઘાટકોપરમાં સતત બીજા દિવસે અંધેરી-ઘાટકોપર લિંક રોડ માટે આટલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર (પશ્ર્ચિમ)માં ઝુનઝુનવાલા કોલેજ નજીક સતત બીજા દિવસે મુંબઈ મહાનગરપાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ રહી હતી. શુક્રવાર દિવસ દરમ્યાન ૩૭ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
અંધેરી-ઘાટકોપર લિંક રોડને પહોળો કરવાને આડે આવી રહેલા ૨૪ બાંધકામને આ અગાઉ ગુરુવારે તોડી પાડવામાં આવ્યા હતા. એ બાદ શુક્રવાર સવારથી પાલિકાએ ફરી પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી અને દિવસ દરમ્યાન ૩૭ બાંધકામને તોડી પાડયા હતા.
ઘાટકોપર પશ્ચિમમાં રેલવે સ્ટેશનને સમાંતર ૧૫.૨૫ મીટર પહોળો રસ્તો બનાવી રહી છે, જે ઝુનઝુનવાલા કોલેજ બહારના રોડને અંધેરી-ઘાટકોપર લિંક રોડ સાથે જોડે છે. આ રોડ પર રહેલા બાંધકામોને કારણે રસ્તાને પહોળો કરવાનું કામ અટવાઈ ગયું હતું.
એ ઉપરાંત મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆરઆઈડીસી) દ્વારા હાલમાં એક નવા રેલ ઓવરબ્રિજનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટને કારણે ઘાટકોપર વિસ્તારમાં કનેક્ટિવિટી વધવાની સાથે જ ટ્રાફિકની ભીડ ઓછી થવામાં મદદ મળશે.



