સેન્ચુરી મિલની જગ્યા પર આવેલી ચાલના ભાડૂતો અધ્ધરતાલ…

મુંબઈ: લોઅર પરેલમાં આવેલી સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રી લિમિટેડને છ એકરની જગ્યાનો કબજો મુંબઈ મહાનગરપાલિકાને મળ્યો છે અને તે જમીન પાલિકાને ટ્રાન્સફર થાય તે પહેલા તેને ખાલી કરવા માટે પાલિકાએ કંપનીને કહ્યું છે. આ જમીન પર હાલ દુકાનો અને ચાલ સહિત ૨૦ બિલ્ડિંગ છે અને આ તમામ લોકોનું પુનર્વસન કરવાનું રહેશે.
જાન્યુઆરી, ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે આ વિવાદીત જમીન પાલિકાની હોવાની પુષ્ટિ કરી હતી અને તેને સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રી લિમિટેડને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. આ ચુકાદા બાદ પાલિકાના એસ્ટેટ વિભાગ અને જી-દક્ષિણ વોર્ડના અધિકારીઓ દ્વારા આ પ્રોપર્ટીની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઈન્સ્પેકશન કરી ગયા હતા. આ જમીન પર હાલ મોટી સંખ્યામાં દુકાનો અને ચાલ આવેલી છે. રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર આ ભાડૂતો રહેઠાણ માટે પાત્રતા ધરાવે છે, જોકે આ ભાડૂતોને ઘર પૂરા પાડવાની જવાબદારી પાલિકાની રહેશે કે સેન્ચુરી કંપનીને તે બાબતે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
હાલ છ એકર જગ્યા પર લગભગ ૮૦૦ ભાડૂતો રહે છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાને આ જગ્યાનો કબજો પાછો મળે તે પહેલા તેને ખાલી કરાવવા માટે સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ લિમિટેડને જાણ કરવામાં આવી છે. છતાં આ જગ્યા પર ઘર બનાવી શકાય તે શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જયાં હાલ રહેતા લોકો પાલિકાના ભાડૂત બની શકે છે. છતાં જમીન ખાલી કરવા બાબતે સેન્ચુરી કંપની તરફથી પ્રતિસાદ આવ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: સેન્ચુરી મિલની જમીનના કબજા સંબંધેે સુધરાઈ કાનૂની અભિપ્રાયની રાહ જોઈ રહી છે…
વર્તમાનમાં એટલે કે ૨૦૨૪-૨૫ના રેડી રેકનરના દર અનુસાર આ જમીનની અંદાજિત કિંમત લગભગ ૬૬૦ કરોડ રૂપિયા છે. લોઅર પરેલમાં આશરે ૩૦,૫૫૦ ચોરસ મીટરનો આ જમીનનો ટુકડો મેસર્સ સેન્ચુરી સ્પિનિંગ એન્ડ મેન્યુફેકચરિંગ લિમિટેડ (હવે સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રી લિમિટેડ)ને પહેલી એપ્રિલ, ૧૯૨૭ના ૨૮ વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી, જેનો હેતુ કંપનીના ગરીબ કર્મચારીઓ અહીં રહી શકે. તેથી મિલ દ્વારા આ જમીન પર ૪૭૬ રૂમ, ૧૦ દુકાનો અને ચાલ બનાવવામાં આવી હતી.
૨૮ વર્ષની લીઝ પૂરી થયા બાદ મિલકત પરના લીઝના અધિકારો ખતમ થઈ ગયા હતા અને જમીનની માલિકી ફરી પાલિકાને મળી હતી. જોકે જમીન પાછી કરવાને બદલે મેસર્સ સેન્ચુરી મિલે બોમ્બે હાઈ કોર્ટમા મિલકત તેના નામે ટ્રાન્સફર કરવા માટે અરજી દાખલ કરી હતી અને વર્ષોથી તેનો કેસ ચાલી રહ્યો હતો. તે છેક વર્ષો બાદ સુપ્રીમ કોર્ટે પાલિકાની તરફેણમાં ચુકાદો આપતા જમીન હવે પાલિકાને પાછી મળશે.