આમચી મુંબઈ

કૉંક્રીટીકરણના કામમાં બેદરકારી બદલ સુધરાઈનો સબ-એન્જિનિયર સસ્પેન્ડ…

કૉન્ટ્રેક્ટરને ૫૦ લાખ રૂપિયા અને ક્વોલિટી કંટ્રોલ એજન્સીને પચીસ લાખનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રસ્તાઓને ખાડામુક્ત કરવા મુંબઈના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં એચ-પશ્ચિમ વોર્ડમાં એક રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ધોરણે પાલિકાના સબ-એન્જિનિયરને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો રોડ કૉન્ટ્રેક્ટરને ૫૦ લાખ રૂપિયાનો અને કામની ગુણવત્તા પર નજર રાખવા માટે નીમેલી ક્વોલિટી મોનિટરિંગ એજન્સીને પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મુંબઈમાં હાલ રસ્તાના ચાલી રહેલા કૉંક્રીટીકરણના કામ ૩૧ મે, ૨૦૨૫ પહેલા પૂરા કરવાના છે. રસ્તાના કામની જોકે ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુધરાઈએ હલકી ગુણવત્તાનું કામ કરનારા અથ્ાવા કામમાં બેદરકારી દાખવનારા સંબંધિત અધિકારીઓ અને સંસ્થા સામે આકરાં પગલાં લઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે રસ્તાના ચાલી રહેલા કામનું ઈન્સ્પેકશન કર્યું હતું એ દરમ્યાન તેમને એચ-પશ્ર્ચિમ વોર્ડમાં એક રસ્તાના કામમાં ‘સબ બેઝ લેયર’ તરીકે વાપરવામાં આવતા ડ્રાય લીન કૉંક્રીટ મિશ્રણમાં ગુણવત્તાનો અભાવ જણાઈ આવ્યો હતો.

એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે ડ્રાય લીન કૉંક્રીટના ક્યુરિંગનો સમયગાળો ઓછામાં ઓછા સાત દિવસનો હોવો જોઈએ. સાઈટ પર સંંબંધિતોએ પણ સાત દિવસનો સમયગાળો કહ્યું હતું પણ બાદમાં કૉન્ટ્રેક્ટર આ સમયગાળો ફક્ત ત્રણ દિવસનો હોવાનું માન્ય કર્યું હતું. હલકી ગુણવત્તાનું કામ જણાઈ આવતા એન્જિનિયર સહિત કૉન્ટ્રેક્ટર અને એજન્સીને શો-કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માગવામાં આવ્યો હતો.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના આદેશ મુજબ રસ્તાના કામાં બેદરકારી દાખવવા બદલ સંબંધિત સબ-એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રોડ કૉન્ટ્રેક્ટરને ૫૦ લાખ રૂપિયાનો અને ક્વોલિટી મોનિટરિંગ એજન્સીને પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ જ હલકી ગુણવત્તાનું કામ તાત્કાલિક કાઢીને નવેસરથી ફરી રસ્તાનું કામ કરવાનો આદેશ પણ કૉન્ટ્રેક્ટરને આપવામાં આવ્યો હતો.

એડિશનલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ૩૧ મે, ૨૦૨૫ પહેલા રસ્તાનાં કામ પૂરા કરવા માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. દરેક રસ્તાનાં કામ પૂરા કરવા માટે તારીખ નક્કી કરવામાં આવી છે. તેમ જ રસ્તાનાં કામ ચાલુ હોય ત્યારે એન્જિનિયરોને સાઈટ પર હાજર રહેવાનું તેમ જ સાઈટ પર સરપ્રાઈઝ વિઝિટ કરીને રસ્તાના કામમાં અને તેમાં વાપરવામાં આવતા મટિરિયિલની ગુણવત્તા પર ધ્યાન રાખવાનું છે પણ તેમાં જો તેના તરફથી બેદરકારી જણાઈ આવી તો તેને સસ્પેન્ડ કરવા જેવા આકરાં પગલાં લેવાનો કમિશનરે આદેશ આપ્યો છે, તે મુજબ તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button