પાર્લેમાં તોડી પડાયેલા દેરાસરની બાજુની હોટલને અનધિકૃત બાંધકામ માટે પાલિકાની નોટિસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરની બાજુમાં આવેલી ખાનગી હોટલને અનધિકૃત બાંધકામ માટે મુંબઈ મહાનગર પાલિકાએ મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટ (એમઆરટીપી), ૧૯૬૬ની કલમ ૫૩(૧) હેઠળ નોટિસ ફટકારી છે.
દિગમ્બર જૈન દેરાસરને પાલિકાના કે-પૂર્વ વોર્ડ દ્વારા ગેરકાયદે હોવાનું કહીને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના તોડી પાડવાના અઠવાડિયા બાદ હોટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસ આપવા અગાઉ પાલિકાના અધિકારી દ્વારા હોટલ પરિસરનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ દેરાસરની બાજુમાં રહેલા હોટેલમાં અનધિકૃત બાંધકામ માટે એમઆરટીપી, ૧૯૬૬ની કલમ ૫૩(૧) હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. હોટલને નોટિસ આપવાના અઠવાડિયા અગાઉ તોડી પાડવામાં આવેલા દેરાસરના ટ્રસ્ટને પણ આ કલમ હેઠળ જ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાના કાયદા મુજબ નોટિસ મળ્યા બાદ તેમને ૩૦ દિવસનો સમય જવાબ માટે આપવામાં આવે છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ જે હોટલને નોટિસ આપવામાં આવી છે, તે ૧૯૭૭થી ચાલી રહી છે. સમય જતા હોટેલના માલિકે તેમના અમુક માળખાકીય ફેરફારો કર્યા હતા. તેણે કરેલા ફેરફારની સરખામણીમાં પાલિકાના ડેવલપમેન્ટ પ્લાનિંગ વિભાગ પાસે મંજૂર પ્લાન સાથે કરવામાં આવ્યા બાદ તેમને નોટિસ મોકલવામાં આવી છે, જેનો જવાબ તેમણે ૩૦ દિવસમાં આપવાનો રહેશે.
હોટેલને નોટિસ આપવાના પાલિકાના આ પગલાને જૈન દેરાસરના ટ્રસ્ટીગણ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું અને દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અમે તો લાંબા સમયથી આ હોટલ સામે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી રહ્યા હતા પણ અમારી વાત કાને ધરવામાં આવી નહોતી. છેવટે પાલિકાને જ્ઞાન થયું અને તેમણે ઈન્સ્પેકશન બાદ તેમને નોટિસ ફટકારી છે અને હવે નિયમ મુજબ તેમની સામે પણ પગલાં લેશે એવી અમને આશા છે.
આ દરમ્યાન ગુરુવારે લઘુમતી પંચે સુનાવણી દરમ્યાન જૈન દેરાસરને તોડી પાડવાની કાર્યવાહી કરનારા સામે એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધવાનો અને પોલીસને ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.
આપણ વાંચો : દેરાસર ડિમોલીશન કરનારા સામે ગુનો નોંધો