મુંબઈ નગરપાલિકા ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, પણ ઉમેદવારો કરી શકશે ડોર-ટુ-ડોર પ્રચાર

મુંબઈ: રાજ્યની 29 નગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રચારના પડઘમ આજે સાંજે શાંત પડી ગયા છે. ગુરુવારે યોજાનારી ચૂંટણી સંદર્ભે મુંબઈમાં ચૂંટણી વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુંબઈમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી પણ ઘરે ઘરે પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ વિચિત્ર નિર્ણય અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચારનો સમય 13 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 વાગ્યા સુધીનો હતો. આ વખતે ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાના ઉમેદવારને પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી પણ ઘરે ઘરે પ્રચાર કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી નવો વિવાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧,૭૨૯ ઉમેદવાર મેદાનમાં:શુક્રવારે સાંજ સુધીમાં ૪૫૩ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા…
ચૂંટણી અધિકારી કૃષ્ણા જાધવે તાજેતરમાં મહાનગરપાલિકાના એ, બી અને ઈ વિભાગના તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોની બેઠક યોજી હતી. તે બેઠકની મિનિટ્સમાં આ અજબ નિર્ણયનો ઉલ્લેખ છે.
આજે એટલે 13 જાન્યુઆરીએ સાંજે 5:30 વાગ્યે પ્રચાર બંધ થયા પછી 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈને પ્રચાર કરી શકશે. અલબત્ત તેઓ કોઈપણ પ્રકારની પત્રિકાઓનું વિતરણ નહીં કરી શકે એમ મિનિટ્સમાં જણાવાયું છે.
આ ઉપરાંત બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયોનો પણ સમાવેશ છે. રાજ્યમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. કોઈપણ ચૂંટણીનો પ્રચાર 48 કલાક પહેલા સમાપ્ત થાય છે. એટલે ચૂંટણી પંચ દ્વારા લેવાયેલો આ નિર્ણય વિવાદાસ્પદ બનવાની શક્યતા છે.



