મુંબઈની ચોપાટી પર તુર્કીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન બેસાડવા સામે વિરોધ...

મુંબઈની ચોપાટી પર તુર્કીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન બેસાડવા સામે વિરોધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈની છ ચોપાટી પર તુર્કીની કંપનીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન બેસાડવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે, તેની સામે ચોતરફથી વિરોધ થઈ રહ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હોવાથી સમગ્ર ભારતમાં તે દેશ સામે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પાલિકાના આ નિર્ણયથી આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે.

જો પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ચોપાટી પર લાઈફગાર્ડ રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન વેચાતા લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયામાં તુર્કીની એક કંપની નિયમ મુજબ પાત્રતા ધરાવતી હોવાથી તેને કૉન્ટ્રેક્ટર આપવામાં આવ્યો હતો. જોકે ભાજપે આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે અને પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને આ નિર્ણય રદ કરવાની વિનંતી કરવામાં આવી છે.

ભાજપે કમિશનરને લખેલા પત્રમાં લખ્યું છે કે તુર્કીસ્તાન સાથેના વેપાર પર દેશભરમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે પાલિકાએ તુર્કીની કંપની પાસેથી આ મશીન લેવા યોગ્ય ગણાશે નહીં. પાલિકા કમિશનરે આ ટેન્ડર પ્રક્રિયા તેમ જ તે કંપનીને આપેલા વર્ક ઓડર્ર તાત્કાલિક રદ કરીને તુર્કીસ્તાન સાથે કોઈ પણ વ્યાપારના સંબંધ રાખવા નહીં. મુંબઈની ગિરગામ ચોપાટી, દાદર-શિવાજી પાર્ક, જૂહૂ, વર્સોવા, આક્સા અને ગોરાઈ ચોપાટીઓ આવેલી છે.

આ છ ચોપાટી પર હાલ ૧૧૧ લાઈફગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. ચોપાટી પર મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ભરતી દરમ્યાન અને ચોમાસામાં તથા ગણેશોત્સવ તહેવાર દરમ્યાન વિસર્જન સમયે દરિયામાં તણાઈ જવાના પ્રકારમાં વધારો નોંધાયો હતો. આ સમયે લોકોને બચાવવાનું કામ લાઈફગાર્ડ કરતા હોય છે. પાલિકાના અખત્યાર હેઠળ આવતા મુંબઈ ફાયરબ્રિગેડે હવે જોકે રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન લેવાનો નિર્ણય લીધો છે, જે મુંબઈની છ ચોપાટી પર તહેનાત કરવામાં આવશે. પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી ત્યારે બે કંપની આગળ આવી હતી, તેમાં તુર્કીની કંપનીને નક્કી કરવામાં આવી હતી. ભાજપે આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે જોકે પાલિકા પ્રશાસને આ બાબતે મોડે સુધી કોઈ ચોખવટ કરી નહોતી.

આપણ વાંચો : મોરા-ભાઉચા ધક્કાનો પ્રવાસ મોંઘો થશે: જાણો ક્યારથી અને કેટલો?

Back to top button