મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: મતદાનના સમયમાં 1 કલાકનો ઘટાડો, જાણો કારણો?

મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીને હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે મતદાન માટે સમય ઓછો કર્યો હોવાનું કહેવાય છે. ગુરુવારે ૧૫ જાન્યુઆરીએ યોજનારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનનો સમય વિધાનસભાની ચૂંટણી સરખામણીમાં એક કલાક ઓછો કરવામાં આવ્યો છે. આ માટે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
૧૫ જાન્યુઆરીએ મતદાન માટે સવારે ૭.૩૦ થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે વિધાનસભા ચૂંટણી માટે મતદાન માટેનો સમય સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીનો આપવામાં આવ્યો હતો. આ વખતે મતદાનનો સમયગાળો એક કલાક ઘટાડી દેવામાં આવ્યો છે. આ અંગે કર્મચારીઓમાં પણ મૂંઝવણ છે.
ચૂંટણી પંચના આદેશ મુજબ આ સમય ઘટાડવામાં આવ્યો હોવાની માહિતી પાલિકાના અધિકારીઓએ આપી હતી. જોકે, વિધાનસભા ચૂંટણીની સરખામણીએ મતદાન મથકોની સંખ્યા વધારવામાં આવી છે અને મથકો પરના મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ કારણે સમય ઘટાડવામાં આવ્યો હોવાનું રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે શિયાળામાં અંધારું વહેલું પડતું હોવાથી સાંજે ૫.૩૦ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૧ લાખ ૬૮ હજાર જેટલા રિપીટ મતદારો છે. આમાંથી ૪૮ હજાર રિપીટ મતદારોએ તેઓ કયા વોર્ડમાં મતદાન કરશે તે અંગે બાંયધરી આપી છે. જ્યારે ૧ લાખ ૨૦ હજાર મતદારોએ મતદાન પહેલાં બાંયધરી પત્ર ભરવાનું રહેશે. તેથી, કેટલીક જગ્યાએ મતદાનમાં વિલંબ અથવા વિવાદ થવાની સંભાવના છે.



