Top Newsઆમચી મુંબઈ

મુંબઈના ૧.૦૩ કરોડ મતદાતા નક્કી કરશે મહાનગરપાલિકાનું ભાવિ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
લગભગ નવ વર્ષ પછી એશિયાની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગપાલિકાની આગામી મહિને થનારી ચૂંટણીમાં મુંબઈના ૧.૦૩ કરોડથી વધુ મતદારો આગામી પાંચ વર્ષ માટે મુંબઈ મહાનગરપાલિકામાં કોણ શાસન કરશે તે નક્કી કરશે. તો થાણે મહાનગપાલિકાના ૩૩ વોર્ડમાં કુલ ૧૬,૪૯,૮૬૭ મતદારો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ તેના સત્તાવાર પોર્ટલ પર અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરી છે, જે દર્શાવે છે મુંબઈના તમામ ૨૭૭ વોર્ડમાં કુલ ૧,૦૩,૪૪,૩૧૫ મતદારો છે.

મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી, ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી થવાની છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વખતે શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ આઘાડી રાજ્યના તમામ મહત્ત્વના શહેરોમાં પાલિકામાં સત્તા મેળવવા માટે ટક્કર આપશે. ૧૫ જાન્યુઆરીના મતદાન અને ૧૬ જાન્યુઆરીના મત ગણતરી થશે.

મુંબઈમાં કુલ ૧.૩ કરોડ મતદારોમાંથી ૫૫,૧૬,૭૦૭ પુરુષ અને ૪૮,૨૬,૫૦૯ મહિલા મતદાર છે, જયારે ૧,૦૭૭ અન્ય મતદારો તરીકે નોંધાયેલા છે.

પાલિકાના ડેટા મુજબ ૨૦૧૭ની ચૂંટણી દરમ્યાન મુંબઈમાં ૯૧,૮૦,૪૯૭ મતદારો હતા, જેમાં ૫૦,૩૦,૩૬૩ પુરુષ અને ૪૧,૪૯,૭૫૩ મહિલા મતદાર તો ૩૮૧ અન્ય મતદારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

પાલિકાના આંકડા મુજબ ‘એલ’ વોર્ડમાં આવતું પોલિંગ બુથ ૧૬૪માં સૌથી વધુ ૬૨,૯૪૫ મતદાર છે, ત્યારબાદ ‘કે-પશ્ર્ચિમ વોર્ડમાં પોલિંગ બુથ ૬૬માં ૬૧,૭૯૯ મતદારો છે.

‘એમ-પૂર્વ’ વોર્ડમાં પોલિંગ બુથ ૧૪૨માં સૌથી ઓછા ૩૧,૫૭૫ મતદારો છે. ત્યારબાદ ‘આર-ઉત્તર’ વોર્ડના પોલિંગ બુથ એકમાં ૩૧,૯૧૬ મતદારો છે.

અન્ય ૧,૦૭૭ મતદારોમાં સૌથી વધુ ૨૮૧ મતદાર ‘પી-ઉત્તર’ વોર્ડ હેઠળ આવતા પોલિંગ બુથ ૩૪માં નોંધાયા છે. એ બાદ ‘એન’વોર્ડમાં પોલિંગ બુથ ૧૨૪માં ૧૧૧ મતદારો નોંધાયા છે.

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવારે મુંબઈ સહિત ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.
મુંબઈમાં છેલ્લે ૨૦૧૭માં પાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એ બાદ છેક નવ વર્ષે ચૂંટણી થઈ રહી છે. પાલિકાના નગરસેવકોનો પાંચ વર્ષનો સમયગાળો સાત માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરો થયો હતો, ત્યારથી પાલિકા કમિશનર પ્રશાસક તરીકે મુંબઈ મહાનગરપાલિકાનું રોજિંદું કામકાજ સંભાળી રહ્યા છે.

મુંબઈની સાથે જ થાણે મહાનગરપાલિકાની પણ ૧૫ જાન્યુઆરીએ ચૂંટણી થવાની છે. થાણે મહાનગપાલિકામાં કુલ ૩૩ વોર્ડમાં કુલ મતદારોની સંખ્યા ૧૬,૪૯,૮૬૭ છે, જેમાં પુરુષ મતદારની સંખ્યા ૮,૬૩,૮૭૮ છે. મહિલા મતદારોની સંખ્યા ૭,૮૫,૮૩૦ છે અને અન્ય મતદારોની સંખ્યા ૧૫૯ છે. ૩૩ વોર્ડમાં કુલ ૧૯૪૨ મતદાન કેન્દ્ર હશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button