મુંબઈમાં મલેરિયા અને ચિકનગુનિયાનો કેસમાં વધારો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મચ્છર કરડવાથી થતા મલેરિયા અને ચિકનગુનિયા સહિત ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો હોવાનો દાવો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ જેવી બીમારીમાં વધાયો થયો હોવા પાછળ ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિને જવાબદાર માનવામાં આવે છે. વધુ પડતા વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ વધી જવાને કારણે આ બીમારીમાં વધારો થયો હોવાનું કહેવામાં આવે છે.
ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં મલેરિયાના ૫,૧૮૨, ડેન્ગ્યૂના ૩,૪૩૫, ચિકનગુનિયાના ૩૬૬, લેપ્ટોના ૬૨૮, ગેસ્ટ્રોના ૬,૫૯૯, હેપેટાઈટીસના ૭૯૧ અને કોવિડના ૧,૮૩૭ કેસ નોંધાયા હતા. તેની સામે આ વર્ષે આ સમયગાળામાં મલેરિયાના ૩,૨૭૭, ડેન્ગ્યૂ ૨,૭૨૪, ચિકનગુનિયા ૫૪૨, લેપ્ટો ૫૫૮, ગેસ્ટ્રોના ૫,૯૮૯, હેપેટાઈટીસના ૯૧૩ અને કોવિડના ૧,૧૧૬ કેસ નોંધાયા છે.
પાલિકાના આરોગ્ય ખાતાના દાવા મુજબ તાવના દર્દીઓને ઓળખી કાઢવા માટે પહેલીથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૪,૭૪,૪૫૦ ઘરના સર્વે કરવામાં આવ્યા હતા, તેમાં ૨૨,૭૩,૫૨૯ નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતા.
મલેરિયાને નિયંત્રણમાં રાખવા ૨૫,૩૬૩ ઉત્તપત્તિ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ૧,૬૭૮ એનોફીલીસ મચ્છરોના ઉત્તપત્તિ સ્થળને શોધીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ડેન્ગ્યૂને નિયંત્રણમાં રાખવા માટે ૧૧,૦૫૫ એડીસ મચ્છરોના ઉત્પત્તિ સ્થળ શોધી કાઢવામાં આવ્યા હતા. આ દરમ્યાન ૨૬,૯૧૩ ટાયર સહિતના સામાનનો નિકાલ કરવામાં આવ્યો હતો. ૧૯,૩૫૪ બિલ્િંડગમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…ટ્રૉમા હૉસ્પિટલનો કારભાર રામભરોસે: દર્દીઓ બેહાલ અને કર્મચારીઓ વગર પગારે