મુંબઈમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદની આગાહી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત આજુબાજુના વિસ્તાર માટે વરસાદ પાછો આવે એવી શકયતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈ, થાણે સહિતના આજુબાજુના વિસ્તાર માટે યલો અલર્ટની ચેતવણી આપીને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડવાની શકયતા છે.
લગભગ ત્રણ અઠવાડિયાથી મુંબઈમાં લગભગ છૂટોછવાયો વરસાદ રહ્યો છે. વરસાદની ગેરહાજરીમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે બુધવારે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લા માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે જુલાઈમાં ધોધમાર અને ઑગસ્ટમાં છૂટોછવાયો હળવા સ્વરૂપનો વરસાદ પડતો હોય છે પણ જુલાઈમાં ઓછો વરસાદ પડયા બાદ ઑગસ્ટની શરૂઆત પણ નબળી રહી છે.
હાલમાં સૂકા અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેને કારણે ફરી સારો વરસાદ પડે એવી શકયતા નિર્માણ થઈ હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જોેકે આગામી દિવસોમાં ગણેશોત્સવ દરમ્યાન અને એ પછી વરસાદ જોર પકડે એવી શકયતા છે.
આ વર્ષે મુંબઈમાં ચોમાસાનું આગમન જલદી એટલે કે મે મહિનામાં જ થઈ ગયું હતુંં. બાદમાં જોકે વરસાદે વિરામ લીધો હતો અને જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ પડયો હતો. એ બાદ વરસાદ ફરી ગાયબ થઈ ગયો હતો.
મુંબઈમાં અત્યાર સુધી સરેરાશ ૪૯.૯૭ ટકા વરસાદ પડયો છે, જેમાં કોલાબામાં અત્યાર સુધી ૪૮.૪૫ ટકા અને સાંતાક્રુઝમાં ૫૯.૨૭ ટકા વરસાદ પડયો છે. ગયા વર્ષે આ જ સમયે કોલાબામાં સરેરાશ ૮૩.૯૦ ટકા અને સાંતાક્રુઝમાં સરેરાશ ૮૬.૪૨ ટકા વરસાદ પડયો હતો.