મોનો રેલ અનિશ્ર્ચિત કાળ માટે બંધ: એમએમઆરડીએની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉપરાઉપરી ત્રણ વખત મોનોરેલ ટેક્નિકલ કારણથી ખોટકાઈ હોવાને કારણે તેમાં પ્રવાસ કરનારા મુંબઈગરાના જીવ પડીકે બંધાઈ ગયા હતા. મોનોરેલમાં પ્રવાસીઓની સુરક્ષા સામે પણ સવાલો થઈ રહ્યા હતા ત્યારે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના કમિશનર સંજય મુખર્જી દ્વારા મોનોરેલની સેવાને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫થી અનિશ્ર્ચિત સમયગાળા માટે બંધ રાખવાની જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી.
એમએમઆરડીએના કમિશનર સંજય મુખર્જીએ જણાવ્યું હતું કે મોનોરેલમાં મોટા પ્રમાણમાં મેઈન્ટેન્સનું કામ આવશ્યક છે. હાલ મોનોરેલ વહેલી સવારના ૬.૧૫ વાગ્યાથી શરૂ થઈને મોડી રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી દોડે છે. મેઈન્ટેન્સના કામ માટે રાતના માંડ સાડા ત્રણ કલાકનો સમય ઉપલબ્ધ થાય છે. છેલ્લા થોડા વખતથી ટેક્નિકલ કારણથી મોનોરેલ સેવાની સર્વિસ ત્રણ વખત બંધ પડી હોવાથી તાત્કાલિક ધોરણે એડવાન્સ ટેક્નોલોજી સાથે મેઈન્ટેન્સનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી મોનોરેલને થોડા સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેઈન્ટેન્સના કામ બાદ નવી મોનોરેકનો સમાવેશ પણ મોનોરેલ સર્વિસમાં કરવામાં આવવાનો છે.
આ પણ વાંચો : મેટ્રોના કામમાં ઢીલ કરનાર કૉન્ટ્રેક્ટર હવે દંડાશે એમએમઆરડીએની નવી મૅનપાવર પૉલિસી
મુંબઈમાં મેટ્રો રેલવેને મુંબઈગરાનો જેટલો પ્રતિસાદ મળ્યો છે, તેની સામે મોનોરેલની સેવા તરફ મુંબઈગરાએ મોઢું ફેરવી લીધું છે. એમએમઆરડીએ માટે માથાનો દુખાવો બની ગયેલી મોનો રેલ હાલ ચેમ્બુરથી સંત ગાડકે મહારાજ ચોક વચ્ચે દોડે છે. ૨૦ કિલોમીટર લંબાઈની મોનોરેલ પાછળ ૨,૪૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક તરફ મોનોરેલને પ્રવાસી મળતા નથી અને બીજી તરફ ઉપરાઉપરી તેની સેવા ખોટકાઈ જતી હોવાને કારણે ગણ્યાંગાંઠ્યા લોકો પણ હવે જીવ જોખમે મૂકીને પ્રવાસ કરવા માગતા ન હોવાનું માનવામાં આવે છે.
મોનોરેલની એક ગાડી ૨૦૧૭ની સાલમાં આગ લાગીને બળીને ખાખ થઈ ગઈ હતી. એ બાદ લગભગ નવ મહિના સુધી મોનોરેલ સેવા બંધ રહી હતી. એ બાદ ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદ દરમ્યાન રેલવે સેવા ઠપ્પ થવાની સાથે જ રોડસેવાને મોટો ફટકો પડવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ઘરે પહોંચવા માટે મોનોરેલ તરફ દોડ મૂકી હતી. જોકે વધુ પડતા વજનને કારણે મોનોરેલ બંધ પડી ગઈ હતી અને ૫૮૮ પ્રવાસીઓને ફાયરબ્રિગેડે ભારે જહેમત કરીને મોનોરેલના દરવાજા તોડીને બહાર કાઢ્યા હતા. એ ઘટના હજી તાજી છે ત્યાં સોમવારે ફરી એક વખત સોમવારે સવારના ભારે વરસાદ દરમ્યાન ટેક્નિકલ કારણથી મોનોરેલ સેવા ખોરવાઈ ગઈ હતી. સતત આવી રહેલી ટેક્નિકલ અડચણને કારણે મોનોરેલ સેવાને મેઈન્ટેન્સના કામ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.