આમચી મુંબઈ

જાન્યુઆરીમાં યોજાશે મુંબઇ મહોત્સવ: સરકારનો નિર્ણય, આનંદ મહિન્દ્રાને સોંપવામાં આવી જવાબદારી

મુંબઇ: રાજ્યમાં ટુરિઝમને વિકસીત કરી મુંબઇને વૈશ્વિક ટુરિઝમના નક્શા પર લાવવા માટે દુબઇ અને ન્યુયોર્ક ફેસ્ટીવલની પાર્શ્વભૂમી પર દર વર્ષે જાન્યુઆરીમાં ત્રીજા શનિવારથી ચૌથા રવિવાર સુધી કુલ 9 દિવસના સમયગાળા દરમીયાન મુંબઇ મહોત્સવનું મુંબઇ અને પરામાં વિવિધ સ્થળે આયોજન કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ આયોજનને સફળ કરવા માટે મુંબઇ મહોત્સવ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. આ ફાઉન્ડેશનના અધ્યક્ષતા આનંદ મહિન્દ્રાને સોંપવામાં આવી છે.

મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. આ એક પ્રમુખ વેપારી કેન્દ્ર છે. દેશ-વિદેશના લોકોને મુંબઇ શહેર માટે અને અહીંના બોલીવુડ, નાઇટ લાઇફ, શોપીંગ, બીચ ટુરિઝમ, સાંસ્કૃતિક તથા ઐતિહાસીક વારસો વગેરે માટે વિશેષ આકર્ષણ છે. રોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી મુસાફરો, વેપારીઓ મુંબઇની મુલાકાત લે છે. આ પાર્શ્વભૂમી પર મુંબઇની કાયાપલટ કરવા માટે તથા એક નવી ઓળખાણ ઊભી કરવા માટે મુંબઇ મહોત્સવના આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમીયાન આ ફાઉન્ડેશનને દર વર્ષે 25 કરોડ રુપિયાનું ફંડ સરકાર દ્વારા આપવામાં આવશે.

પર્યટન પ્રધાનની અધ્યક્ષતામાં મુંબઇ પર્યટન વિકાસ પ્રોજેક્ટ માટેની સમન્વય સમીતી જ મુંબઇ મહોત્સવ માટે કાર્યકારી સમીતી તરીકે કામ કરશે. મુંબઇ મહોત્સવ માટે એક વાર મળેલ મંજુરી આગામી ત્રણ વર્ષ સુધી કાયમ રહશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્ય સચિવ એ આનંદ મહિન્દ્રાની અધ્યક્ષતામાં ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ હશે. મ્યુનીસિપલ કમીશનર સહિત પોલીસ કમીશનર, ભારતરત્ન સચિન તેંડુલકર, પર્યટન વિભાગના પ્રધાન સચિવ, એક્સીસ બેન્કના વ્યવસ્થાપકીય સંચાલક અમિતાભ ચૌધરી, ડ્રિમ 11ના હર્ષ જૈન, ફિલ્મ જગતના રોની સ્ક્રુવાલા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પાર્થ સિન્હા, એમ પાવરમાઇન્ડના નીરજા બિર્લા અને નાયબ મુખ્ય પ્રધાનના વિશેષ કાર્યકારી અધિકારી કૌસ્તુભ ધવસે મેનેજમેન્ટ ટીમમાં હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button