
મુંબઈ: વડાલાથી ગેટવે ઓફ ઈન્ડિયા મેટ્રો ૧૧ લાઇનના બાંધકામ માટે ૮૦૧ પરિવારને અસર થશે અને કુલ ૭૯૬ બાંધકામ તોડી પાડવામાં આવશે. આ કાર્યમાં ચાર ધાર્મિક અને પૂજા સ્થાનોને પણ અસર થશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા હાથ ધરવામાં આવેલા સામાજિક અસર મૂલ્યાંકન અહેવાલમાંથી આ વાત સામે આવી છે.
પ્રસ્તાવ રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલ્યો
કાસારવડવલીથી વડાલા મેટ્રો ૪ લાઇનના દક્ષિણ મુંબઈ સુધીના વિસ્તરણ માટે મેટ્રો ૧૧ લાઇન મહત્વપૂર્ણ છે. આ મેટ્રો લાઇનની લંબાઈ ૧૭.૫૧ કિમી છે. તેના પર કુલ ૧૧ સ્ટેશન હશે. એમએમઆરસી એ આ મેટ્રો માટેનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી દીધો છે. હવે એમએમઆરસી એ નાગરિકોના સૂચનો અને વાંધાઓ માટે આ મેટ્રો લાઇનનો પર્યાવરણીય અસર અહેવાલ અને સામાજિક અસર મૂલ્યાંકન અહેવાલ બહાર પાડ્યો છે.
કોરિડોરના ૭૯૬ માળખાં સંપૂર્ણપણે પ્રભાવિત થશે
આ મેટ્રો લાઇન ભાયખલા, નાગપાડા, ભિંડી બજારના ગીચ વિસ્તારોમાંથી પસાર થશે. આ વિસ્તારના રસ્તાઓ પણ સાંકડા છે. આ મેટ્રો લાઇન માટે સ્ટેશનો બનાવવા માટે મોટી જગ્યાની જરૂર પડશે. ૭૯૬ માળખાં સંપૂર્ણપણે પ્રભાવિત થશે, જેમાંથી ૫૯૦ રહેણાંક, ૨૦૧ કર્મશિયલ અને પાંચ કર્મશિયલ અને રહેણાંક માળખાં સંયુક્ત છે.
ભિંડી બજાર મેટ્રો સ્ટેશનના નિર્માણથી ૨૦૫ પરિવાર પ્રભાવિત થશે
આમાંના મોટા ભાગના બાંધકામો વડાલા મેટ્રો સ્ટેશનના કામ માટે તોડવા પડશે. વડાલામાં મ્હાડા ચાલ અને કોકરી અગરમાં ૩૨૪ મકાનો તોડવા પડશે. ભિંડી બજાર મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે ૨૦૫ પરિવારો પ્રભાવિત થશે. આમાં મિયાં અહેમદ ચોટાણી રોડ પર છ માળની ઇમારતના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બે જૈન મંદિર છે, જેમાં રહેણાંક સુવિધાઓ છે. આમાંના ૪૮ ભાડૂતને અસર થશે.
મેટ્રો અગિયારના કામ માટે ચાર પૂજા સ્થળો પ્રભાવિત થવાની સંભાવના છે. આમાં બે જૈન મંદિરો, એક હનુમાન મંદિર અને એક બૌદ્ધ મઠનો સમાવેશ થાય છે. ભીંડી બજાર વિસ્તારમાં આવેલા આ બે જૈન મંદિર ૨૦૦ વર્ષ જૂના છે, જ્યારે પંચશીલનગરમાં બૌદ્ધ મઠ અને શિવરીમાં હનુમાન મંદિર આ પ્રોજેક્ટથી પ્રભાવિત થશે.