આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો-ચાર અને 4A અંગે જાણો મહત્ત્વની અપડેટ, સ્ટેશનોને એફઓબીથી જોડાશે…

મુંબઈ: મુંબઈ રિજનમાં મેટ્રોની કનેક્ટિવિટી માટે પ્રશાસન એક પછી મહત્ત્વના પ્રકલ્પને પૂરા પાડવા માટે કમર કસી છે ત્યારે તાજેતરમાં મેટ્રો-ચારને માટે મહત્ત્વની માહિતી પૂરી પાડી છે. મેટ્રો સ્ટેશનથી બહાર નીકળીને ગંતવ્ય સ્થળે તથા રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, રિક્ષા-ટેક્સી સ્ટેન્ડ સુધી જવાનું પ્રવાસીઓને સરળ પડે તે માટે અનેક મેટ્રો સ્ટેશનના ફૂટઓવર બ્રિજ (એફઓબી) જોડવામાં આવી રહ્યા છે ત્યારે એમએમઆરડીએએ વડાલા-ઘાટકોપર-થાણે-કાસારવડવલી-ગાયમુખ મેટ્રો-૪, મેટ્રો-૪એના ચાર મેટ્રો સ્ટેશનને એફઓબીથી જોડવાનો નિર્ણય લીધો છે. પ્રસ્તાવિત યોજના અનુસાર વિક્રોલી, પંતનગર, ભાંડુપ અને વિજય ગાર્ડનર એમ ચાર સ્ટેશનના એફઓબી જોડવા માટે એમએમઆરડીએએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.

પંતનગર મેટ્રો સ્ટેશનનો ફૂટઓવર બ્રિજ સૌથી લાંબો હશે
ટેન્ડર અનુસાર પંતનગર મેટ્રો સ્ટેશને ૬૬૫ મીટર લાંબો, વિક્રોલી મેટ્રો સ્ટેશન ખાતે ૩૮૭ મીટરનો, ભાંડુપ મેટ્રો સ્ટેશન ખાતે ૪૫ મીટરનો, જ્યારે વિજય ગાર્ડન મેટ્રો સ્ટેશન ખાતે ૬૦ મીટર લાંબો ફૂટઓવર બ્રિજ બાંધવામાં આવનાર છે. આ ચારેય બ્રિજમાંથી પંતનગર મેટ્રો સ્ટેશનનો ફૂટઓવર બ્રિજ સૌથી લાંબો ૬૬૫ મીટરનો હશે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ બેસાડાશે
ચારેય ફૂટઓવર બ્રિજ પર પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા બેસાડવામાં આવશે તથા પ્રવાસીઓની સુવિધા માટે લિફ્ટ પણ હશે. આ ટેન્ડર પ્રમાણે ૧૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને કામ શરૂ થયાના ૧૫ મહિનામાં એફઓબીનું કામ પૂર્ણ કરવાનું રહેશે. ૩૨.૩૨ કિમીનો સૌથી લાંબા મેટ્રો-૪ તથા કાસારવડવલી-ગાયમુખ મેટ્રો-૪એ માર્ગનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ લાઇન તબક્કાવાર શરૂ કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે.

આપણ વાંચો : પશ્ચિમ રેલવેમાં AC Local બની ‘કમાઉ’ દીકરો, જાણો રેલવેએ કેટલી કરી કમાણી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button