મેટ્રો-થ્રીની ‘ટ્રાયલ રન’ માટે મોટા ન્યૂઝ, પણ…
મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ (મુંબઈ મેટ્રો-ત્રણ) માર્ગમાં આરેથી બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના પહેલા તબક્કાની ટ્રાયલ રન ફેબ્રુઆરીમાં હાથ ધરવાની હતી. જોકે અડધો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં મેટ્રો-ત્રણની ‘ટ્રાયલ રન’ શરૂ થઈ નહીં હોવાથી હવે આ સર્વિસ ક્યારે શરૂ થશે તેની રાહ મુંબઈગરાઓ જોઈ રહ્યા છે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) દ્વારા 33.5 કિલોમીટર લાંબા કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ સબ-વે મેટ્રો લાઇનનું કામ શરૂ છે. ફેબ્રુઆરી મહિના સુધી મેટ્રો-ત્રણ મુંબઈમાં શરુ કરવામાં આવશે. આ મેટ્રો લાઇનને આરેથી બીકેસી અને બીકેસીથી કોલાબા આમ બે તબક્કામાં સેવામાં સામેલ કરવાનો પ્રસ્તાવ એમએમઆરસીએ આપ્યો હતો. આ સાથે અનેક વખત પ્રોજેકટને શરૂ કરવાની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી, પણ હવે કામ ટ્રાયલ રન એપ્રિલ-માર્ચ સુધી પૂર્ણ થશે એવી નવી ‘ડેડલાઈન’ની જાહેરાત કરવામાં આવી છે.
આ ડેડલાઈન સાથે મેટ્રો-ત્રણ બે નહીં પણ ત્રણ તબક્કામાં સેવામાં સામેલ કરવામાં આવશે એવું એમએમઆરડીએના અધિકારી દ્વારા જણાવાયું હતું, જેમાં પહેલા આરેથી બીકેસી, બીકેસીથી વરલી અને વરલીથી કોલાબા એમ ત્રણ તબક્કામાં મેટ્રોને શરૂ કરવામાં આવવાનું છે.
મેટ્રો-થ્રીના આ મહત્ત્વના પ્રોજેકટ માટે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં ટ્રાયલ રન શરૂ થશે અને 19 ફેબ્રુઆરીએ મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ સી-કોસ્ટ રોડ પ્રોજેકટના લોકાર્પણની સાથે બીકેસીમાં પણ મેટ્રો ‘ટ્રાયલ રન’ને લીલીઝંડી બતાવશે એવી ચર્ચા હતી. જોકે મુંબઈ સી કોસ્ટ રોડનું ઉદ્ઘાટન રાખડી પડતાં મેટ્રો-ત્રણની ટ્રાયલ રન પણ અટકી છે, જેથી હવે એપ્રિલ-મે સુધી ટ્રાયલ કરી ઝડપથી મેટ્રોને શરૂ કરવા માટે એમએમઆરસી પ્રયત્ન કરી રહ્યું છે એવો અધિકારીએ દાવો કર્યો હતો.