ગૂડ ન્યૂઝ: મુંબઈ મેટ્રો-3 નો છેલ્લો તબક્કો આ મહિને શરૂ!
હવે ઉપનગરોથી કોલાબા સુધી આરામદાયક સફર થશે

મુંબઈઃ દક્ષિણ મુંબઈથી ઉપનગરોમાં રોજ કામ માટે મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. આગામી મહિના એટલે સપ્ટેમ્બરથી તેમની મુસાફરી સરળ બની શકે છે. તે માટે, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (MMRCL) ઓગસ્ટમાં જ મેટ્રો-3 કોરિડોરના છેલ્લા તબક્કાનું અંતિમ નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું છે.
ઓગસ્ટમાં મેટ્રો ચલાવવા માટે જરૂરી બધી પરવાનગીઓ લીધા પછી, MMRCL એ આવતા મહિને સમગ્ર મેટ્રો રૂટ પર સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે, આગામી થોડા દિવસોમાં સાયન્સ મ્યુઝિયમથી કફ પરેડ સુધીના મેટ્રો રૂટના અંતિમ નિરીક્ષણ માટે મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર (સીઆરએસ)ને આમંત્રિત કરવામાં આવશે.
એમએમઆરસીએલના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મેટ્રોના અંતિમ તબક્કામાં રોલિંગ સ્ટોકની તપાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ફાયર સેફટી નિરીક્ષણ ચાલી રહ્યું છે. મોટાભાગના સ્ટેશનો પર નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. માત્ર થોડી જ જગ્યાઓનું નિરીક્ષણ કરવાનું બાકી છે. આગામી થોડા દિવસોમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ પૂર્ણ થશે.
આ દરમિયાન, સિસ્ટમ ટેસ્ટ પણ પૂર્ણ થશે. CRMS ટેસ્ટ ઓગસ્ટના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. CRMS સર્ટિફિકેટ મળતાની સાથે જ સપ્ટેમ્બરથી મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરી શકશે. સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ શરૂ કરવા માટે, MMRCL એ 27 જુલાઈથી સમગ્ર રૂટ પર 25,000 વોલ્ટ વીજળી સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.
પ્રોજેક્ટનું સ્ટેટ્સ
મેટ્રો-3 કોરિડોર આરેથી કોલાબા સુધી બનાવવામાં આવ્યો છે. મેટ્રોના પ્રથમ તબક્કા હેઠળ, આરેથી બીકેસી વચ્ચેના 12.69 કિમીના રૂટ પર 7 ઓક્ટોબર 2024 ના રોજ મેટ્રો સેવાઓ શરૂ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2025માં BKCથી આચાર્ય અત્રે ચોક સુધીના 9.77 કિમીના રૂટ પર મેટ્રો સેવાઓ શરૂ કરવામાં આવી હતી. હાલમાં આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ મેટ્રો સ્ટેશન સુધીના 10.99 કિમીના રૂટનું પરીક્ષણ કાર્ય ચાલી રહ્યું છે.
આ પણ વાંચો…મહા મુંબઈ મેટ્રોનો ઐતિહાસિક વિક્રમ: 39 મહિનામાં 20 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ