ગણેશોત્સવમાં મેટ્રો-૧ પણ મોડે સુધી દોડશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન ગણેશભક્તોની સુવિધા માટે મેટ્રો રેલવેને મોડે સુધી દોડાવવાની તથા વધારાની સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે.
જેમાં અગાઉ મેટ્રો લાઈન ટુ-એ અને મેટ્રો લાઈન-સાતની સર્વિસ વધારયા બાદ મંગળવારે મેટ્રો-વન પણ મોડે સુધી દોડાવવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું હતું.
આજથી શરૂ થઈ રહેલો ગણેશોત્સવ છ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે. ગણેશોત્સવ દરમ્યાન ગણેશભક્તો મોડી રાત સુધી બહાર રહેતા હોય છે. તેથી તેમને ઘરે પાછા ફરવામાં અસુવિધા થાય નહીં તે માટે તમામ મેટ્રો લાઈનની છેલ્લી સર્વિસને વધારવામાં આવી છે.
આ પણ વાંચો…બુદ્ધિના દેવ ગણાતા બાપ્પાની સુંદર મૂર્તિ બનાવી આ ખાસ બાળકોએઃ તમે પણ જુઓ…
મુંબઈ મેટ્રો-વન ગણેશોત્સવ દરમ્યાન રાતના એક વાગ્યા સુધી દોડશે. વર્સોવાથી ઘાટકોપર માટે છેલ્લી મેટ્રો ૧૨.૧૫ વાગે ઉપડશે અને ઘાટકોપરથી વર્સોવા માટે છેલ્લી મેટ્રો ટ્રેન રાતના ૧૨.૪૦ વાગે ઉપડશે.
મેટ્રો વનની સાથે જ મેટ્રો લાઈન ટુ-એ (અંધેરી -પશ્ર્ચિમ) અને મેટ્રો સાત(ગુંદવલી) પર પણ ગણેશોત્સવ દરમ્યાન મોડી રાત સુધી ટ્રેન દોડશે અને તે માટે મેટ્રો રેલનું ખાસ ટાઈમટેબલ પણ બનાવવામાં આવ્યું છે.
એમએમઆરડીએના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમ્યાન સોમવારથી શુક્રવાર ૩૧૭ મેટ્રો ટ્રિપ થશે. સામાન્ય દિવસમાં ૩૦૫ ટ્રિપ થતી હોય છે. ભીડના સમયે દર પાંચ મિનિટને પચાસ સેકેન્ડે એક ટ્રેન દોડાવવામાં આવશે. ઓફ પીક અવર્સમાં દર નવ મિનિટ ત્રીસ સેકેન્ડ એક ટ્રેન દોડાવવામાં આવશે.
શનિવારે ૨૫૬ ટ્રિપ હશે, જે સામાન્ય દિવસોમાં ૨૪૪ ટ્રિપ હોય છે. ભીડના સમયે દર આઠ મિનિટ અને છ સેકેન્ડે એક ટ્રેન દોડશે. ઓફ પીક અવર્સમાં દર ૧૦ મિનિટ પચ્ચીસ સેકેન્ડે એક ટ્રેન દોડશે. રવિવારે કુલ ૨૨૯ ટ્રિપ હશે, જે સામાન્ય દિવસમાં ૨૧૭ હોય છે અને દર દસ મિનિટે એક ટ્રેન દોડશે.
આ પણ વાંચો…આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?