દરિયામાં કૂદેલી મહિલાને બચાવવા કોન્સ્ટેબલે જીવ જોખમમાં નાખ્યો, પણ મહિલા ન બચી
સેંકડો સહેલાણી દર્શક બની રહ્યા તો અનેક જણ મોબાઈલથી રેકોર્ડિંગ કરવામાં વ્યસ્ત હતા!

મુંબઈ: દક્ષિણ મુંબઈના લોકપ્રિય સ્થળ મરીન ડ્રાઈવ ખાતે પ્રોમેનેડ પરથી દરિયામાં કૂદી પડેલી મહિલાને બચાવવા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે જીવ જોખમમાં નાખ્યો, પણ કમનસીબે ઘણા પ્રયત્નો છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહોતો. ઘટના બની ત્યારે હાજર સેંકડો સહેલાણીઓ દર્શક બનીને ઘટનાને જોતા રહ્યા, જ્યારે અનેક લોકો પોતાના મોબાઈલ ફોનમાં તેનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી. હાઈ ટાઈડને કારણે દરિયો તોફાની બન્યો હતો ત્યારે 43 વર્ષની મહિલાએ દરિયામાં કૂદકો માર્યો હતો.
આ પણ વાંચો: ખોખરાની બહુમાળી ઇમારતમાં આગના આવ્યા ચોંકાવનારા વીડિયો, જીવ બચાવવા યુવતીએ મારી છલાંગ…
ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો મરીન ડ્રાઈવ પર ફરવા આવ્યા હતા. મહિલાને દરિયામાં કૂદકો મારતી જોયા પછી પણ કોઈ મદદ માટે આગળ આવ્યું નહોતું. બધા દર્શકોની જેમ મહિલાને પાણીમાં ડૂબતી જોઈ રહ્યા તો અનેક લોકો મોબાઈલથી વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા.
મહિલા કૂદી હોવાની જાણ થતાં જ ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ભિકાજી ગોસાવીએ પોતાના જીવના જોખમે મહિલાને બચાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. ડૂબી રહેલી મહિલાને ગોસાવી કિનારે ખેંચી લાવ્યો હતો. સાથીઓની મદદથી તેણે સીપીઆરનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: અજમેરની નાઝ હોટેલમાં ભીષણ આગ, લોકોએ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા
મહિલાના શરીરમાં દરિયાનું ખાસ્સું પાણી ગયું હતું. ચારેક લિટર પાણી તેના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. પછી હૉસ્પિટલમાં દાખલ કરાયેલી મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે મહિલાના પરિવારજનોને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા. કોન્સ્ટેબલ ગોસાવીનું તેની સાહસિક કામગીરી બદલ પાંચ હજાર રૂપિયાના રિવોર્ડ સાથે સન્માન કરાયું હતું.
દરમિયાન માંદગીથી કંટાળીને 72 વર્ષની વૃદ્ધાએ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના દહિસરમાં બની હતી. મૃતકની ઓળખ મરલિન મેનન તરીકે થઈ હતી. ન્યૂ હેરિટેજ બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લૅટમાં વૃદ્ધા એકલી રહેતી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં માંદગીને કારણે પોતે માનસિક રીતે ભાંગી પડી હોવાથી અંતિમ પગલું ભરી રહી હોવાનું વૃદ્ધાએ લખ્યું હતું. એમએચબી પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(પીટીઆઈ)