મુંબઈમાં મરાઠા આંદોલન: સ્વચ્છતા જાળવવાનો પડકાર, 800 કર્મચારી ખડેપગે

મુંબઈ: મરાઠા સમાજને અનામત અપાવવા માટે સરકાર સામે પડનારા મનોજ જરાંગેના નેતૃત્વમાં મુંબઈમાં દાખલ થયેલું મરાઠા આંદોલન તેના ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે, ત્યારે સરકારની સાથે મુંબઈ મહાનગરપાલિકા માટે પણ મોટી કસોટી છે.
જાહેર રસ્તાઓ, રેલવે સ્ટેશન પર હજારો લોકોના પડાવ છે, જ્યારે મહિલાઓ પણ સ્ટેશન પરિસરમાંથી અવરજવર કરવામાં ડરનો અનુભવ કરી રહી છે. રેલવે પોલીસની સુરક્ષા સાથે આંદોલનકારીઓ 48 કલાકથી વધુ પડાવ નાખ્યો છે ત્યારે અમુક જગ્યાએ કચરાના ઢગલા થયા છે, જ્યારે સફાઈ પણ કરવામાં આવતી નથી એવી લોકોએ ફરિયાદ કરી હતી.
આપણ વાંચો: મરાઠા સમાજનું આંદોલન કે પર્યટન…
નિયમિત સાફસફાઈ કરવાની બાબત બની પડકાર
હજારોની સંખ્યામાં શહેરમાં પ્રવેશેલા આંદોલનકારીઓના કારણે આઝાદ મેદાન અને આસપાસના પરિસરમાં સાફસફાઈ જાળવવી એક પડકાર બન્યો છે. આ પડકારને પહોંચી વળવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન અને તેના પરિસરને સાફ કરવા માટે ઘન કચરા વ્યવસ્થાપન (SWM)ના 800 જેટલા કર્મચારીને તહેનાત કર્યાં છે.
પીવાના પાણીના 25 ટેન્કરનો સમાવેશ
મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ પ્રદર્શનકારીઓ માટે મૂળભૂત આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓ પણ પૂરી પાડી છે, જેમાં પીવાના પાણીના 25 ટેન્કરનો સમાવેશ થાય છે.
આઝાદ મેદાન, બીએમસી રોડ, સીએસએમટી, હુતાત્મા ચોક, બોમ્બે જીમખાના, હજ હાઉસ, મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન, એર ઇન્ડિયા બિલ્ડિંગ તેમ જ યલો ગેટ, ઇસ્ટર્ન ફ્રીવે પર શિવડી વિસ્તાર, કોટન ગ્રીન વેહિકલ ટર્મિનલ અને વાશી નાકા ખાતે પાણીના ટેન્કરો તૈનાત કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: મરાઠા સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને ધાર્મિક નેતાએ કિર્તન કાર્યક્રમ રદ કર્યો
800થી વધુ કર્મચારીને તહેનાત
આઝાદ મેદાન અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ માટે 300થી વધુ શૌચાલય, સ્થિર અને મોબાઇલ બંને મફતમાં ઉપલબ્ધ છે, અને 800થી વધુ કર્મચારીઓ સતત સાફસફાઇનું ધ્યાન રાખી રહ્યા છે, તેવી માહિતી બીએમસી અધિકારીઓએ આપી હતી.
કોર્પોરેશન કચરો એકત્ર કરવા માટે પ્રદર્શનકારીઓને મોટી સંખ્યામાં કચરાની બેગનું વિતરણ પણ કરી રહ્યું છે. અધિકારીઓ સતત પ્રદર્શનકારીઓને કચરો ડસ્ટબિનમાં નાખવા અપીલ કરી રહ્યા છે.
આપણ વાંચો: મરાઠા સમાજ માટે વિવિધ યોજના અમલમાં મૂકવા CM Eknath Shinde સતત પ્રયત્નશીલ
તબીબી ટીમને પણ રાખી તહેનાત
પ્રદર્શનકારીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આઝાદ મેદાન વિસ્તારમાં 24 કલાક કાર્યરત તબીબી સહાય કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં ચાર તબીબી ટીમો અને બે એમ્બ્યુલન્સ તૈનાત છે.
તબીબી ટીમને પણ રાખી તહેનાત
બીએમસી સંચાલિત નાયર હોસ્પિટલ તરફથી એક મેડિકલ ટીમ પણ આ વિસ્તારમાં નિયુક્ત કરવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં, દર્દીઓને ગોકુલદાસ તેજપાલ (જી.ટી.) હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કામા હોસ્પિટલ અને બોમ્બે હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. રાજ્ય સરકાર વતી, જે. જે હોસ્પિટલની એક ટીમ પણ આઝાદ મેદાન વિસ્તારમાં નિયુક્ત કરવામાં આવી છે.