NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની કરપીણ હત્યા, હત્યારો ફરાર
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, NCP (અજિત પવાર જૂથ)ના નેતા સચિન કુર્મી પર શુક્રવારે મોડી રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી હતી. આ હુમલો મુંબઈના ભાયખલા વિસ્તારમાં મ્હાડા કોલોની પાછળના વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
કુર્મીની હત્યા બાદ તેમના સમર્થકો આક્રમક બની ગયા છે. તેઓ આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ સચિન કુર્મીની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે રાતે 12.30 કલાકની આસપાસ બની હતી. પોલીસ જ્યારે આવી ત્યારે સચિન કુર્મી ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડેલા હતા. સચિન કુર્મી પર કોણે હુમલો કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા, જેઓ હત્યા કરીને નાસી છૂટ્યા હતા. પોલીસનું માનવું છે કે જૂની અદાવતને કારણે આ હત્યા થઇ હોઇ શકે છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
નોંધનીય છે કે સચિન કુર્મી NCP અજિત પવાર જૂથના નેતા હતા. તેઓ લાંબા સમયથી મુંબઈમાં રાજકારણમાં સક્રિય હતા. સચિન કુર્મીની હત્યાથી રાજકીય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તેમના વિસ્તારમાં લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. દરમિયાન એવું જાણવા મળ્યું છે કે છગન ભુજબળના ભત્રીજા અને એનસીપીના મુંબઈ અધ્યક્ષ સમીર ભુજબળ આજે કુર્મી પરિવારની મુલાકાત લેશે અને તેમને સાંત્વના આપશે.