રેલવેનો ‘હેલ્પલાઈન’ નંબર જ હેલ્પ’લેસ’: મહિલા પ્રવાસીઓની સુરક્ષા સામે પ્રશ્ચાર્થ…
કોચમાં બળજબરીથી ટિકિટ ચેકિંગનો બનાવ, કોચમાં કોન્સ્ટેબલ મદદે આવ્યો નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન મુંબઈગરા માટે જીવાદોરી સમાન છે, પરંતુ ઘણી વખત આ લોકલ ટ્રેન હોય કે સ્ટેશનના પરિસરમાં મુંબઈગરાઓને એના કડવા અનુભવો પણ થતાં જ હોય છે. ગયા અઠવાડિયે જ દાદર રેલવે સ્ટેશનના પશ્ચિમ રેલવે તરફના ફૂટઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલી કોલેજિયન વિદ્યાર્થિનીના વાળ કાપવાની ઘટના તાજી છે ત્યાં સોમવારે મધ્ય રેલવે પર સીએસએમટીથી પ્રવાસ કરી રહેલી મહિલા પ્રવાસીને ‘હેલ્પલાઈન’ નંબરનો કડવો અનુભવ થયો હતો. ખરા સમયે જ હેલ્પલાઈન કામમાં નહીં આવતા ફરી લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
ઘટનાની માહિતી આપતા મહિલા પ્રવાસીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સોમવારે સાંજે મધ્ય રેલવેના સીએસએમટી સ્ટેશનથી રાતે 9.26 કલાકે રવાના થતી કર્જત ટ્રેનના લેડિઝ ફર્સ્ટ ક્લાસ કોચમાં ઘાટકોપર સ્ટેશન પરથી ચઢેલી અન્ય મહિલા પ્રવાસીએ બળજબરીથી બીજી મહિલા પ્રવાસીઓને તેમની પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ-ટિકિટ છે કે નહીં એવું પૂછવાનું શરું કર્યું હતું. જ્યારે કોચમાં પ્રવાસ કરી રહેલી અન્ય મહિલા પ્રવાસીઓએ આનો વિરોધ કર્યો તે મહિલાએ તેમની સાથે ઝઘડો કરવાનું શરૂ કરીને એલાર્મ ચેન પૂલિંગ (એસીપી) કરવાની ધમકી પણ આપી હતી.
દરમિયાન મહિલા પ્રવાસી અને એની બહેનપણીએ રેલવે હેલ્પલાઈન નંબર 1512 અને 139 પર કોલ કરતાં કોઈ પણ પ્રકારની મદદથી મળી નહોતી. 1512 તો કોલ જ નહોતો લાગતો અને અને 139 પર આઈવીઆર સિસ્ટમ એક્ટિવેટ હતી. કોચમાં આરપીએફ કોન્સ્ટેબલ હોવા છતાં પણ તેણે આ મામલે દખલગિરી કરવાનું મુનાસિબ માન્યું નહોતું.
આ પણ વાંચો : લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ઝઘડામાં મધ્યસ્થી કરનારા ફેરિયા પર છરીથી હુમલો
જો રાતના સમયે મહિલા પ્રવાસીએ મહિલા કોચમાં એકલા પ્રવાસ કરી રહી હોય અને તેની સુરક્ષા જોખમમાં મૂકાય પરંતુ જો એવા સમયે રેલવે દ્વારા આપવામાં આવેલા હેલ્પ લાઈન નંબર પરથી કોઈ હેલ્પ ના મળતી હોય તો આવા સમયે મહિલા પ્રવાસીઓની સુરક્ષા તો રામ ભરોસે જ છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
આ મુદ્દે મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે અગાઉ હેલ્પલાઈન જાહેર કરવામાં આવી હતી, જેમાં આરપીએફની 182 બંધ થઈ છે, પરંતુ એની સામે જનરલ 139 અને જીઆરપીની 1512 વર્કિંગ છે. 24 કલાક આ હેલ્પલાઈન નંબર પર પ્રવાસીઓની ફરિયાદ એટેન્ડ કરવામાં આવે છે. અમુક સંજોગોમાં કદાચ ચાલતી ના હોવી જોઈએ. બાકી હેલ્પલાઈન નંબર વર્કિંગ છે.