મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલા સુરક્ષા પર સવાલ: ચાર દિવસમાં છેડતીના 7 બનાવ

મર્યાદિત કોચ, ભીડ અને વધતા ગુનાઓથી મહિલા મુસાફરો અસુરક્ષિત; હેલ્પલાઇન સિસ્ટમમાં સુધારાની માગ
મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લોકલ ટ્રેનોમાં મર્યાદિત સંખ્યામાં મહિલા કોચ હોવાથી ભારે ભીડ થતા લાખો મહિલાઓની મુસાફરી ત્રાસદાયક બને છે અને છેલ્લા ચાર દિવસમાં છેડતીના સાત બનાવો બનતા આ મુસાફરી માત્ર મુશ્કેલ જ નહીં, પણ અસુરક્ષિત પણ બની ગઈ છે. જેના કારણે મહિલા પ્રવાસીઓએ ખાસ રેલવે પ્રશાસનની કામગીરી અને વ્યવસ્થા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
મધ્ય અને પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેનોમાં દરરોજ 75 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. આમાં મહિલા મુસાફરોની સંખ્યા 25 ટકાથી વધુ છે. મહિલાઓ માટે શૌચાલય અને બેઠકો જેવી સુવિધાઓના અભાવ છે અને હવે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ પણ વધી રહ્યા હોવાથી ચિંતાજનક બાબત છે, એમ મહિલાએ જણાવ્યું હતું.
મુંબઈ રેલવે પોલીસ કમિશનરેટના અધિકારક્ષેત્ર હેઠળ આવતા પનવેલ, વાશી અને બોરીવલી સ્ટેશનો પર મહિલાઓએ જાતીય સતામણીની ફરિયાદો નોંધાવી છે. 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન રેલવે સ્ટેશનો પર છેડતીની ત્રણ ઘટનાઓ બની હતી જયારે ચાર ઘટનાઓ ચાલતી ટ્રેનોમાં બની હતી. તેથી, એ સ્પષ્ટ છે કે રેલવે સ્ટેશનો અને ચાલતી લોકલ ટ્રેનો બંનેમાં મહિલાઓની સુરક્ષા માટેના પગલાંનો અભાવ છે. જોકે, વરિષ્ઠ રેલવે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે મહિલાઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ‘મહિલા સુરક્ષા માટે સરકાર ઉદાસીન, ફડણવીસ રાજીનામું આપે’: સુપ્રિયા સુળેની માગણી
ચાર દિવસમાં સાત ફરિયાદો
23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન બનેલી ઘટનાઓમાં કોપરખૈરાણે અને નાલાસોપારા સ્ટેશન વિસ્તારમાં, વિરારમાં ચાલતી લોકલના જનરલ ડબ્બામાં, પનવેલ-થાણે લોકલના ત્રીજા ડબ્બામાં, બોરીવલી અને પનવેલ સ્ટેશન પર,દહિસર અને મીરા રોડ વચ્ચે મીરા રોડ સ્ટેશન પાસે પણ મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
મહિલા સુરક્ષા માટેની હેલ્પલાઇનમાં IVRS સિસ્ટમ છે. આનાથી સંબંધિત હેલ્પર સાથે જોડાવવા માટે તમને એક દબાવવાનું અને પછી બે દબાવવાનું કહેવામાં આવે છે અને તેમાં ઘણો સમય લાગે છે અને સમયસર મદદ મળતી નથી. આ કારણે IVRS સિસ્ટમ બંધ કરીને સીધી હેલ્પલાઇન હોવી જરૂરી છે. મહારાષ્ટ્ર રેલવે મહિલા પ્રવાસી સંગઠનના પ્રમુખ વંદના સોનાવણેએ માંગ કરી હતી કે ચાલતી લોકલ ટ્રેનોમાં અને સ્ટેશનો પર મહિલાઓની છેડતી કરનારા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.