આમચી મુંબઈ

મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ‘અલગ’ ડબ્બો રખાશે, જાણો નવી અપડેટ

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશને પગલે, પશ્ચિમ રેલવે (WR) એ લોકલ ટ્રેનોમાં લગેજ કમ્પાર્ટમેન્ટને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કોચમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં પશ્ચિમ રેલવેની ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) ઉપનગરીય ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે 14 બેઠકો છે, ચર્ચગેટ બાજુથી ત્રીજા અને 12મા કોચમાં દરેક બાજુ સાત બેઠકો છે, જે મુસાફરોની સંખ્યા માટે પૂરતી નથી.

મુંબઈમાં લોકલ ટ્રેનોમાં દરરોજ 50,000થી વધુ વરિષ્ઠ નાગરિકો મુસાફરી કરે છે, ત્યારે એક જાહેર હિતની અરજી (PIL)માં તેમની દુર્દશા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને તેમના માટે ખાસ ડબ્બાની માંગ કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ રેલવે બોર્ડે ચર્ચગેટ બાજુના સાતમા કોચ, જે હાલમાં લગેજ કોચ છે, તેને એક્સક્લુઝિવ સિનિયર સિટીઝન કોચમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

દરેક નવીનીકૃત ડબ્બામાં 13 બેઠકો અને 91 મુસાફરો માટે ઊભા રહેવાની જગ્યા હશે. ટ્રેનમાં ભીડના સમયે ચઢવા અને ઉતરવા માટે અલગ દ્વાર હશે. આ પશ્ચિમ લાઇન પર 105 બિન-વાતાનુકૂલિત EMU રેકમાં તબક્કાવાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 5.4 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

પશ્ચિમ રેલવેના CPRO વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે અને કામ એક વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે.” તેમણે ઉમેર્યું હતું કે આ પરિવર્તન ખાસ કરીને ભીડના સમયે જ્યારે ટ્રેનોમાં વૃદ્ધ મુસાફરો માટે મુસાફરી જોખમી બને છે ત્યારે ફક્ત આરામ જ નહીં પરંતુ વધુ સારી સલામતી પણ પ્રદાન કરશે.

આ પણ વાંચો -‏‏‎ પુણે નજીક ડેમુ ટ્રેનમાં આગ લાગી, ધુમાડો ફેલાતા મુસાફરોમાં ગભરાટ; જાણો શું હતું કારણ…

વિગતો અનુસાર બોમ્બે હાઈ કોર્ટે ગયા વર્ષે જારી કરેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત ડબ્બા સાથે સ્થાનિક ટ્રેનોના સામાનના ડબ્બામાં વરિષ્ઠ નાગરિકોને મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ. હવે જોવાનું એ રહે છે કે જે હાલત દિવ્યાંગોના ડબાની થઇ છે તેવું જ ક્યાંક વરિષ્ઠોના ડબા સાથે નહીં થાય ને?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button