મુંબઈના રેલવે સ્ટેશનો પરની પાણીની પરબ ક્યાં થઈ ‘ગાયબ’: પ્રવાસીઓ ‘તરસ્યા’?

મુંબઈઃ મુંબઈ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઊંચો થઈ રહ્યો છે. હવે મુંબઈમાં ખુશનુમા વાતાવરણ રહેતું નથી. કોંક્રિટનું જંગલ બની ગયેલી મુંબઈનગરીમાં પણ હવે અસહ્ય ગરમી પડે છે ત્યારે સ્વાભાવિક છે કે પીવાના પાણીની જરૂરિયાત ઊભી થવાની.
ઘર બહાર નીકળતા 80 ટકા મુંબઈગરા લોકલ ટ્રેનનો પ્રવાસ કરે છે અને પ્લેટફોર્મના દાદર ચડી-ઉતરીને થાકી જતા હોય છે ત્યારે પ્રવાસીઓને પાણી પીવાની અને ખાસ કરીને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય છે, પણ રેલવેએ આ પ્રવાસીઓના પાણી પીવાની કોઈ વ્યવસ્થા કરી નથી.
આપણ વાંચો: પર્યાપ્ત વરસાદ પછી પણ નવી મુંબઈમાં પીવાના પાણીનો પોકાર, સ્થાનિકો પરેશાન
પાંચ રૂપિયામાં ઠંડુગાર પાણી ક્યા છે?
રેલવેએ પ્રવાસીઓને પાંચ રુપિયામાં પાણી આપવાની મોટી જાહેરાતો કરી હતી, પરંતુ બહુ ઓછા રેલવે સ્ટેશનો છે જ્યાં શુદ્ધ ઠંડુ પાણી મળે છે. મોટા ભાગે આવી જગ્યાઓએ જો તમારી બોટલ ન હોય તો તમારે બોટલ સહિત પાણીના રૂ. 10 આપવા પડે છે. જો તમારે પૈસા ખર્ચવા ન હોય તો રેલવે સ્ટેશનો પર પાણીના જે નળ છે તેમાંથી પાણી પીવાનું રહે છે.
આ પરબ આસપાસ સ્વચ્છતાનો સખત અભાવ હોય છે. વળી કોરોના સમયે આ પરબની પાણીની ટાંકીઓ ક્યારે સાફ થઈ તેની તારીખ પ્રમાણે નોંધ રાખવાનો નિયમ રેલવેએ બનાવ્યો હતો, પરંતુ આ નિયમની કોઈ અમલવારી ન થતી હોવાનું સૂત્રો જણાવે છે.
મધ્ય રેલવેમાં ખાસ કરીને ઘાટકોપર અને કુર્લા જેવા રેલવે સ્ટેશન પર પાણીની પરબ (રેલવે)નું ક્યાં છે તે પહેલા તો શોધવી પડે છે. હાલમાં ઘાટકોપર સ્ટેશનનું મેકઓવર થઈ રહ્યું છે, પરંતુ પાણીની પરબ હજુ જેમના છે તેમ જ છે અને તેમાં મોટે ભાગે પાણી ન આવતું હોવાની ફરિયાદ પ્રવાસીઓ કરી રહ્યા છે.
આપણ વાંચો: વરસાદ ક્યારે આવશે? પીવાના પાણી માટે ફાંફાં મારે છે ગુજરાતના આ જિલ્લા
સ્ટોલધારકો નથી રાખતા રૂપિયા દસની બોટલ
લગભગ તમામ રેલવે સ્ટશનો પરના સ્ટોલધારકો પાણીની મોટી રૂ. 20 વાળી બોટલ જ રાખે છે, જ્યારે રૂ. 10ની બોટલ પણ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ રેલવે સ્ટેશનો પર તે મળતી નથી. રૂ. 20ની બોટલ મોટી હોય છે અને પ્રવાસીને જરૂર ન હોય તો પણ નછૂટકે ખરીદવી પડે છે. આ સાથે રેલ નીરની પણ મોટી બોટલ જ ઉપલબ્ધ હોય છે, જે રૂ. 15માં મળે છે.
મુંબઈ દર વર્ષે રેલવેને કરોડોની કમાણી કરી આપે છે.
રેલવે મુંબઈગરાઓના લાઈફલાઈન છે તો રેલવે માટે પણ ધમધમતી બેંક છે. રેલવે વિશેષ કોઈ સુવિધા ન આપે તો ઠીક છે, પણ મુંબઈગરાઓ સહિતના તમામ પ્રવાસીઓને પાણીની સુવિધા પણ ન આપે તે કેમ ચાલે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.