આવતીકાલે દિવાળીની શોપિંગ માટે બહાર નીકળવાના છો? લોકલ ટ્રેનની આ અપડેટ જાણી લો, નહીંતર પસ્તાશો…

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને લોકલ ટ્રેનોના ધાંધિયા એટલે મુંબઈગરાઓ હેરાન પરેશાન. એમાં પણ હવે તહેવારો અને લગ્નસરાની સિઝન આવશે એટલે તો શોપિંગ વગેરે માટે નીકળી પડનારાઓની ભીડ ટ્રેનોમાં વધી જશે. આવી સ્થિતિમાં આવતીકાલે જો તમે પણ દિવાળીની કે લગ્નસરાની શોપિંગ માટે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લેજો, કારણ કે લોકલ ટ્રેનના ધાંધિયા રહેશે અને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે.
દર રવિવારની જેમ આવતી કાલે એટલે કે 11મી ઓક્ટોબરના રોજ ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સ, ઓવરહેડ વાયરની દેખરેખ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. ચાલો જોઈએ આવતી કાલે ક્યાંથી ક્યાં અને કેટલા સમય માટે મેગા બ્લોકની જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હાર્બર લાઈન પર સવારે 10.30 કલાકથી બપોરે 3.30 કલાક સુધી કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટીથી વાશી, બેલાપુર અને પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ સિવાય આ સમય દરમિયાન ટ્રાન્સ હાર્બર લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવે પર બોરીવલી રામ મંદિર અને રામ મંદિર- કાંદિવલી વચ્ચે પાંચમી લાઈન પર સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકના સમયગાળા દરમિયાન તમામ અપ ફાસ્ટ લોકલ બોરીવલી-અંધેરી વચ્ચે સ્લો અપ લાઈન પર દોડાવવામાં આવશે. પાંચમી લાઈન પર અંધેરી-બોરીવલી ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ સમયે કેટલીક લોકલ ટ્રેન રદ કરવામાં આવશે જ્યારે કેટલીક લોકલ ટ્રેનોને ગોરેગાંવથી હાર્બર લાઈન પર દોડાવવામાં આવશે.
મધ્ય રેલવેની વાત કરીએ તો આ વખતે મધ્ય રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને આવતીકાલે બ્લોકમાંથી રાહત રહેશે, કારણ કે સીએસએમટી-કલ્યાણ વચ્ચે આવતીકાલે કોઈ બ્લોક હાથ નહીં ધરવામાં આવે અને હોલીડે શેડ્યુલ પ્રમાણે જ ટ્રેનો દોડાવવામાં આવશે.
આ પણ વાંચો…મુંબઈમાં લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર મારાનારો આખરે પકડાયો, જાણો ક્રાઈમ કુંડળી?