મુંબઈમાં લોકલ ટ્રેનોના વિલંબને રોકવા માટે રેલવેએ લીધો મોટો નિર્ણય, શું ફાયદો થશે?

મુંબઈ: મધ્ય રેલવેના કલ્યાણ-થાણે-સીએસએમટી રૂટ પર પીક અવર્સ દરમિયાન મુસાફરોનો ભારે ધસારો રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી મધ્ય રેલ્વે વહીવટીતંત્રે એક મહત્વપૂર્ણ અને ગેમ ચેન્જિંગ નિર્ણય લીધો છે, જેના કારણે સવારે લોકલ સેવાઓ વધુ શિસ્તબદ્ધ અને સમયસર થવાની સંભાવના છે.
ઉત્તર ભારતથી આવતી લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને કારણે ઘણીવાર મધ્ય રેલવેની ઉપનગરીય લોકલ ટ્રેનો મોડી દોડે છે. જ્યારે કોઈ એક્સપ્રેસ ટ્રેન ઉપનગરીય સ્ટેશન નજીકથી પસાર થાય છે, ત્યારે સલામતીના કારણોસર લોકલ ટ્રેનોને સિગ્નલ પર રોકવી પડે છે. આ કારણે, લોકલ ટ્રેનો ઘણીવાર મોડી દોડે છે અને સવારે કામ પર જનારા પ્રવાસીઓને સૌથી વધુ તકલીફ પડે છે.
આ પણ વાંચો…વિલે પાર્લે, રામ મંદિર, કરી રોડ, ચિંચપોકલી, મસ્જિદ, સેન્ડહર્સ્ટ રોડ પર લોકલ નહીં
આ બાબતોને ધ્યાનમાં રાખીને, મધ્ય રેલ્વેએ આ સમસ્યાના ઉકેલ માટે એક મોટો નિર્ણય લીધો છે. લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનોને પીક અવર્સ દરમિયાન મુંબઈ ઉપનગરોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ ટ્રેનોને ટિટવાલા અને આસનગાંવ જેવા સ્ટેશનો પર પહેલાં રોકવામાં આવશે. ટિટવાલા અને આસનગાંવથી દરરોજ ઘણી લોકલ ટ્રેનો સીએસએમટી, દાદર, કલ્યાણ તરફ ઉપડે છે. જોકે, આ રૂટ પર ઉત્તર તરફથી એક્સપ્રેસ ટ્રેનોના આગમનથી લોકલ ટ્રેનોને વિક્ષેપ પડે છે.
હવે, નવા નિયમો હેઠળ, સવારે પાંચ વાગ્યા પછી ઉપનગરોમાં પહોંચતી એક્સપ્રેસ ટ્રેનોને પીક અવર્સના અંત સુધી મુંબઈની હદ શરૂ થાય ત્યાં રોકવામાં આવશે. જોકે આ નિર્ણયથી લાંબા અંતરના મુસાફરોને થોડો વિલંબ થશે, પરંતુ લાખો સ્થાનિક મુસાફરોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો…લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે સમાચારઃ આ લાઇન ૩ મહિના માટે બંધ, જાણો નવી વ્યવસ્થા…



