‘આ’ કારણથી સવારથી લોકલ ટ્રેનો મોડી દોડે છે, જાણો અત્યારે શું છે હાલ?

મુંબઈઃ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનો નિયમિત રીતે અનિયમિત દોડતી હોય છે, તેમાંય ટ્રેનો મોડી પડવા અંગે રોજના નવાનવા કારણ પણ જવાબદાર બને છે. આજે સવારના વાંગણી અને બદલાપુર વચ્ચે લોકલ ટ્રેનની નીચે બે ભેંસ આવી જતા ટ્રેનસેવા પર અસર થઈ હતી. આજે સવારે 11:07 વાગ્યે બનેલા બનાવને કારણે મુંબઈ તરફની અપ-લાઇન પર ટ્રેન અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા હતા.
વાંગણી નજીક ભેંસોનું ધણ પાટા ઓળંગી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. મોટા ભાગની ભેંસો રેલવે ટ્રેક પરથી પસાર થઇ ગઈ હતી, પરંતુ બે ભેંસો વાંગણીથી થોડીવાર પહેલા જ ઉપડેલી મુંબઈ જતી લોકલ ટ્રેનની નીચે આવી ગઈ હતી. ટ્રેન અચાનક બંધ પડી ગઈ અને એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી.
આ પણ વાંચો : વરસાદ અને ગૂડ્સ ટ્રેન ડિરેલમેન્ટ: મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, યાત્રીઓ પરેશાન
રેલવે સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને ભેંસોને ગંભીર ઈજાઓ થઈ હતી. રેલવે કર્મચારીઓ અને ગ્રામજનોએ સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને પ્રાણીઓને બહાર કાઢવાનું કામ કર્યું હતું. અધિકારીઓ ટ્રાફિક શરુ કરવા માટે સંકલન કરી રહ્યા હતા ત્યારે ટ્રેન ક્રૂ સ્ટેન્ડબાય પર રહ્યો હતો.
આ ઘટના ઓફિસ અવર્સ દરમિયાન બની હોવાથી સ્ટેશનો પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. કર્જતથી મુંબઈ સુધી કોઈ ટ્રેન ન દોડવાને કારણે, બદલાપુર, અંબરનાથ અને કલ્યાણ સ્ટેશન પર ભીડ વધી ગઈ હતી. મુસાફરોએ લાંબી રાહ જોવાની, અનિશ્ચિતતા અને તેમના કાર્યસ્થળ પર પહોંચવામાં સંભવિત વિલંબની ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો : મુંબઈમાં લોકલ ટ્રેનની સર્વિસ વધારવાના આ પ્રસ્તાવને જાણી લો, મંજૂર થાય તો શું થાય?
અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે લાઇન પરના ટ્રાફિકને ક્લિયર કરીને ટ્રેનસેવા ફરી શરૂ કરવાના પ્રયાસો હતા ત્યાં સુધી મુંબઈ તરફ જતી લોકલ ટ્રેનો રોકી રાખવામાં આવી હતી, જેના કારણે મધ્ય રેલવેના નેટવર્ક પર અસર પડી હતી. સાંજે જ નહીં, પરંતુ રાતના પણ લોકલ ટ્રેનોની એ જ રફતાર રહી હતી, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.
આ મુદ્દે ડોંબિવલીના પ્રવાસીએ કહ્યું હતું કે સવારથી લઈને બપોર સુધી લોકલ ટ્રેન અડધો કલાકથી વધુ મોડી દોડી રહી હતી, પરિણામે દિવસભર પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, જેમાં નોન પીક અવર્સમાં પણ ફર્સ્ટ ક્લાસ કોચમાં ચઢવાની જગ્યા મળી નહોતી. મોટા ભાગની ટ્રેનો ભીડભાડવાળી હોવાને કારણે સિનિયર સિટિઝનને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પારાવાર મુશ્કેલી પડી હતી, એમ ઘાટકોપરના પ્રવાસીએ જણાવ્યું હતું.