મુંબઈ લોકલઃ રાતે ટ્રેનમાં એકલી મુસાફરી કરી રહેલી મહિલાની સુરક્ષા માટે પોલીસે કર્યું આ કામ, જાણો સમગ્ર કિસ્સો…

મુંબઈઃ મુંબઈ સબર્બન લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, તેમાંય છેડતી અને બળાત્કાર જેવા ગંભીર કેસ પણ બની રહ્યા છે ત્યારે તાજેતરમાં એક પોલીસ કર્મચારીએ મહિલાની સુરક્ષા માટે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. હાલ સોશિયલ મીડિયા પર મુંબઈના એક પોલીસ કર્મચારીનો વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. વીડિયોમાં યુવતી મોડી રાત્રે એકલી મુસાફરી કરી રહી હતી ત્યારે તેની બાજુમાં ઊંધી દિશામાં બેસીને મુસાફરી કરી હતી, જે વાત સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી.
આ વીડિયોમાં એક મહિલા મુસાફર લગભગ ખાલી લોકલ ટ્રેનમાં એકલી બેઠી છે. તેની આસપાસનો આખો કોચ ખાલી છે. આ દરમિયાન, એક પોલીસ કર્મચારી મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે જ કોચમાં બેસે છે. આ વીડિયો ડોકયાર્ડ રોડ સ્ટેશન નજીક લેવામાં આવ્યો છે. આ પોલીસ કર્મચારીની ઓળખ હજુ સુધી થઇ નથી, પરંતુ લોકોએ પોલીસ કર્મચારીના સંવેદનશીલ વર્તનની ખૂબ પ્રશંસા કરી છે.
India.Now નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે મોડી રાતના લગભગ ખાલી કોચમાં મુંબઈના એક પોલીસ કર્મચારી એકલી મહિલા મુસાફર સાથે જોવા મળ્યો હતો. તેણે આવું એટલા માટે કર્યું, જેથી તે આખી મુસાફરી દરમિયાન સુરક્ષિતતા અનુભવી શકે. કોચ લગભગ ખાલી હોવા છતાં પોલીસે કોચમાં રહેવાનું અને છેલ્લે સુધીની મુસાફરીમાં મહિલા પ્રવાસી સાથે શાંતિપૂર્વક અને રક્ષણાત્મક હાજરી આપી હતી.
પોલીસ કર્મચારીના અર્થપૂર્ણ વર્તનની ઓનલાઈન પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા લોકોએ કહ્યું હતું કે તે જાહેર સેવા પ્રત્યેની સાચી સમર્પણ અને એકલી મુસાફરી કરતી મહિલાઓ પ્રત્યેની સાચી ચિંતા દર્શાવે છે. મુંબઈ જેવા શહેરમાં, જ્યાં મોડી રાતની મુસાફરી ઘણી વખત મહિલાઓ અસુરક્ષિત લાગે છે, ત્યારે આવા દ્રશ્યો આપણને યાદ અપાવે છે કે સાચા પોલીસકર્મીઓ હજુય લોકોનું ચોક્કસ રક્ષણ કરે છે.
એક યુઝરે પોલીસ કર્મચારીની પ્રશંસા કરતા લખ્યું, “નાનું કામ, મોટી અસર. આ પ્રકારનું પોલીસિંગ વિશ્વાસ અપાવે છે.” બીજાએ લખ્યું હતું કે આ પ્રકારની પોલીસિંગની દેશભરમાં જરૂર છે. ઘણા લોકોએ એવો પણ પ્રશ્ન કર્યો કે આ વીડિયો કોણે શૂટ કર્યો, કારણ કે ટ્રેનમાં લગભગ કોઈ પ્રવાસીઓ જ નહોતા. જોકે, મોટા ભાગના લોકો પોલીસ કર્મચારીના ઉમદા વર્તનની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.




