આવતીકાલે રહેશે ટ્રેનોના ધાંધિયા, જાણો કઈ કઈ લાઈન પર થશે અસર…

મુંબઈઃ મુંબઈ લોકલ મુંબઈની લાઈફલાઈન છે અને દર રવિવારની જેમ આવતીકાલે પણ રેલવે ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સ તેમ જ અન્ય મહત્ત્વના કામકાજ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે ટ્રેનોના ધાંધિયા રહેશે. જો તમે પણ આવતીકાલે નવરાત્રિ કે દિવાળીની શોપિંગ માટે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. ચાલો જોઈએ આવતીકાલે ક્યાંથી ક્યાં હશે મેગા બ્લોક-
મધ્ય રેલવે પર કલ્યાણ-થાણે સ્ટેશન વચ્ચે સવારે 10.40 કલાકથી બપોરે 3.40 કલાક સુધી અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે કલ્યાણ-થાણે વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.
આ પણ વાંચો: મુંબઈમાં લોકલ ટ્રેનની સર્વિસ વધારવાના આ પ્રસ્તાવને જાણી લો, મંજૂર થાય તો શું થાય?
બ્લોકના સમયગાળા દરમિયાન લોકલ ટ્રેન કલવા, મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન પર ઊભી રહેશે, જેને કારણે લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ દોડશે. સીએસએમટી-દાદરથી રવાના થનારી મેલ એક્સપ્રેસ ટ્રેનો થાણે-કલ્યાણ વચ્ચે પાંચમી- છઠ્ઠી લાઈન પર દોડાવવામાં આવશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બ્લોક રહેશે. આ સમયે સીએસએમટીથી અપ લાઈન પર સવારે 10.33થી બપોરે 3.49 વાગ્યા સુધી પનવેલથી રવાના થનારી અને બેલાપુર-પનવેલની ડાઉન લાઈન પર ટ્રેનો બંધ રહેશે.
આ પણ વાંચો: વરસાદ અને ગૂડ્સ ટ્રેન ડિરેલમેન્ટ: મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, યાત્રીઓ પરેશાન
ટ્રાન્સ હાર્બર લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી પનવેલ-થાણે વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વાશી વચ્ચે અને ટ્રાન્સ હાર્બર લાઈન પર થાણે-વાશી, નેરુલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવે પર આવતીકાલે કોઈ બ્લોક હાથ નહીં ધરવામાં આવે એટલે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત રહેશે. જોકે, પશ્ચિમ રેલવે પર આવતીકાલે રવિવારના ટાઈમટેબલ પ્રમાણે ટ્રેનો દોડાવવામાં આવશે.