Mumbai Local Mega Block: રવિવારે મુંબઈગરાની લાઈફલાઈનના ધાંધિયા, જાણો કઈ લાઈન પર કેટલા કલાકનો મેગા બ્લોક

મુંબઈઃ મુંબઈગરાની લાઈફલાઈન એવી મુંબઈ લોકલ ટ્રેનોના આવતીકાલે એટલે કે રજાના દિવસે પણ ધાંધિયા રહેશે. દિવાળીના વેકેશનના લાસ્ટ વીક-એન્ડ પર જો તમે ફેમિલી સાથે મુંબઈ દર્શન માટે નીકળવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો આ સ્ટોરી તમારા માટે જ છે.
દર રવિવારની જેમ આ રવિવારે પણ રેલવે દ્વારા સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના કામ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. ચાલો જોઈએ આવતીકાલે ક્યાંથી ક્યાં અને કેટલા કલાકનો બ્લોક રહેશે…
આપણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનોમાં લાગશે ‘ઓટોમેટિક ક્લોઝ ડોર’: રેલવે અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો
મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવે પર આવતીકાલે એટલે કે 26મી ઓક્ટોબરના સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી માટંગાથી મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે.
બ્લોકના સમય દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ બ્લોકના સમય દરમિયાન કેટલીક ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થાને મોડી પહોંચી શકે છે.
આપણ વાંચો: વર્ષના છેલ્લા દિવસે મુંબઈની લોકલ ટ્રેનોમાં ‘ધાંધિયા’
ટ્રાન્સ હાર્બર લાઈનની વાત કરીએ તો ટ્રાન્સ હાર્બર લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી થાણે-વાશી, નેરુલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન થાણે-વાશી, નેરુળ અને પનવેલ વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રવાસીઓને આ સમય દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની ભલામણ રેલવે દ્વારા કરવામાં આવી છે.
પશ્ચિમર રેલવે પર આવતીકાલે કોઈ મેગા બ્લોક નહીં રહે, પણ આ લાઈન પર શનિવાર રાતે સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. શનિવારે રાતે 1.15 કલાકથી વહેલી સવારે 4.45 કલાક સુધી વસઈ-ભાયંદર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન વિરાર-ભાયંદર વચ્ચે બોરીવલી દરમિયાન ફાસ્ટ લોકલને સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે.



