આવતીકાલે ઘરની બહાર નીકળતાં પહેલાં આ મહત્ત્વના સમાચાર વાંચી લો, નહીંતર થશે મેગાહાલ…

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દર રવિવારની જેમ જ આ રવિવારે પહેલી ફેબ્રુઆરીના પણ સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના કામકાજ માટે રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. રેલવેના મેગા બ્લોકને કારણે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે બહાર જવાનું કે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર અવશ્ય વાંચી લો.
રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલી ફેબ્રુઆરીના રોજ મધ્ય રેલવે પર થાણે-કલ્યાણ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના આ સમયગાળા દરમિયાન થાણે-કલ્યાણ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો કલવા, મુંબ્રા અને દિવા સ્ટેશન પર પણ હોલ્ટ લેશે, જેને કારણે તે પોતાના નિર્ધારિત સમય કરતાં 15થી 20 મિનિટ મોડી પડશે.
આ સિવાય બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી અને દાદરથી રવાના ડાઉન મેલ એક્સપ્રેસ અને કલ્યાણ બાદ અપ મેલ એક્સપ્રેસ ટ્રેનો થાણે કલ્યાણ વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન પર દોડાવવામાં આવશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર કુર્લા-વાશી વચ્ચે સવારે 11.10 વાગ્યાથી બપોરે 4.10 વાગ્યા સુધી અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વાશી, બેલાપુર-પનવેલ વચ્ચે ટ્રેનવ્યવહાર બંધ રહેશે. પ્રવાસીઓની સુવિધા માટે સીએસએમટી-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો બ્લોકના સમય દરમિયાન દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવ પર સવારે 10.35 વાગ્યાથી બપોરે 3.35 વાગ્યા સુધી ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય અપ-ડાઉન ફાસ્ટ લોકલ ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ સિવાય આવતીકાલે રવિવારના ટાઈમટેબલ પ્રમાણે લોકલ ટ્રેનો દોડાવવામાં આવવાની હોવાથી કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવશે અને કેટલીક ચર્ચગેટ જનારી ટ્રેનોને બાંદ્રા અને દાદર ખાતે શોર્ટ ટર્મિનેટ પણ કરવામાં આવશે.



