આમચી મુંબઈ
મુંબઈના આ વિસ્તારમાં ભેખડ ધસી પડવાનું જોખમઃ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવાની સુધરાઈની ચેતવણી

મુંબઈ: ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન ડુંગરાળ વિસ્તારમાં ભેખડ ધસી પડવાનું જોખમ હોય છે. ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહને કારણે ભેખડ ધસી પડવાની ઘરને નુકસાન થવાની સાથે જ નાળાઓમાં પૂર આવવાની શક્યતા હોય છે, તેમાં ઘર અને ઝૂંપડા તૂટી પડવાનું અને જાનહાનિનું જોખમ હોય છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ ‘એન’વોર્ડ ઘાટકોપર પશ્ર્ચિમમાં ડુંગરાળ વિસ્તારના રહેવાસીઓને અન્ય સ્થળે સ્થળાંતર થવાની અપીલ કરી છે.
પાલિકાએ બહાર પાડેલી યાદી મુજબ ‘એન’વોર્ડમાં વિક્રોલી પાર્કસાઈટ, વિક્રોલી પશ્ર્ચિમ, ઘાટકોપર પશ્ર્ચિમમાં આવતા વર્ષા નગર, રામનગર, સંજય ગાંધી નગર, રાહુલ નગર, ગણેશ નગર, ખંડોબા ટેકડી, આઝાદ નગર, સોનિયા ગાંધી નગર, પ્રેમ નગર, આનંદ નગર આ ઠેકાણે ડુંગરાળ વિસ્તારમાં રહેલા ઝૂંપડાવાસીઓને અન્ય સ્થળે જવાની ચેતવણી આપવામાં આવી છે.